અમદાવાદ,તા.રર
ગુજરાત સરકાર દ્વારા ટેસ્ટિંગ ઓછા કરીને કોરોનાના કેસો ઓછા બતાવવાનું કૌભાંડ ચલાવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરી ઉમેર્યું કે ઓછા ટેસ્ટના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આરોગ્ય કમિશનર જયંતી રવિ પર ગંભીર આક્ષેપો કરતા તેણે જણાવ્યું કે જયંતી રવિ જ્યાં જ્યાં જાય છે ત્યાં કેસ વધી જાય છે પહેલાં અમદાવાદમાં વધુ કેસ હતા. હવે સુરતમાં છેલ્લે રાજકોટ અને જામનગરમાં પણ તેઓ ગયા હતા. તે શું સૂચવે છે ? ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમાયેલા યુવા નેતા હાર્દિક પટેલે દ્વારકાની મુલાકાત લઈ દર્શન કરીને ખંભાળિયામાં પત્રકારો સાથે વાતચીત કરી હતી.
હાર્દિકે રાજનીતિમાં સારા અને વિઝનવાળા યુવાનો આવે તેમ કહીને યુવાનોને રાજનીતિમાં જોડાઈને સમાજની કાયાપલટ કરવા આહ્‌વાન આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટી એ પારિવારિક પાર્ટી છે, ગરીબો તથા યુવાનોને અહીં તક મળતી નથી તેવી વાતનું ખંડન કરતા હાર્દિકે પોતે જ અધ્યક્ષ સ્થાને પહોંચ્યો છે તે આ વાતનો પુરાવો હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના યુવા નેતાએ કહ્યું કે ગુજરાત સરકાર પોતાના રાજ્યમાં પપ લાખથી વધુ શિક્ષિત બેરોજગાર છે. તે તરફ ધ્યાન આપતી નથી. સરકારી ભ્રષ્ટાચારના ભોરીંગ હેઠળ રાજ્યમાં છ લાખ સરકારી નોકરીઓની જગ્યા ખાલી છે. ચાર-પાંચ વર્ષથી પરીક્ષાઓ આપીને બેઠેલા યુવાનોને નિમણૂક અપાતી નથી. ૮૦ હજાર કરોડનું વાઈબ્રન્ટ ગુજરાતમાં રોકાણ થયું છે, તો કંપનીઓને નોકરી આપવા દબાણ કેમ કરતી નથી ? સૌરાષ્ટ્રના બે જિલ્લા જામનગર અને દ્વારકાનો દાખલો આપીને અહીં રિલાયન્સ, એસ્સાર, નયારા જેવી મોટી કંપનીઓ છે પણ સ્થાનિકોને રોજગારી ક્યાં ? તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો. હાર્દિકે કહ્યું કે પાકિસ્તાન કે ચીનને ગાળો કાઢવાથી બેરોજગારીની સમસ્યા ઉકેલાવાની નથી, વાસ્તવિક્તા સમજીને કામ કરવાથી જ સમસ્યા ઉકેલાશે. હાર્દિકે કહ્યું કે ખેડૂતોની ખૂબ જ ખરાબ સ્થિતિ છે. જમીનોને નુક્સાન, પાકવીમો, મોંઘવારી, જમીનો ગામડાની વેચી શહેરમાં જવું, ત્યાંથી કોરોનાને લીધે પાછું ગામડામાં આવવું જેવા પડકારો છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓના પ્રશ્નોને પ્રાથમિક્તા આ૫વી જોઈએ.