અમદાવાદ, તા.૧૯

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના ટેસ્ટ માટે આવતા લોકો માટે હવે આધારકાર્ડ ફરજિયાત કર્યું છે. કારણ કે, કોરોના ટેસ્ટ માટે આવતા ૧રથી ૧પ ટકા લોકો ખોટું સરનામું આપતા હતા. આથી આ સમસ્યા નિવારવા આધારકાર્ડની કોપી અને મોબાઈલ નંબર લેવામાં આવશે જેના પર ઓટીપી મોકલી ખરાઈ કરવામાં આવશે. એએમસી દ્વારા કોરોના ટેસ્ટ માટે આવતા લોકોના સાચા ફોન નંબર અને સરનામા માટે તેમના આધારકાર્ડની કોપી અને મોબાઈલ નંબર માટે ઓટીપી મોકલવામાં આવશે, આમ થવાથી કોરોના ટેસ્ટ માટે આવતી વ્યક્તિ ખોટા ફોન નંબર નહીં આપે. મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું કે, આમ કરવા પાછળનું કારણ એ છે કે, ૧૦%થી ૧૫% લોકો પોતાના ખોટા સરનામા આપતા હતા. ટેસ્ટ પહેલાં આ પદ્ધતિનું પાલન કરવાથી, વ્યક્તિએ અગાઉ ટેસ્ટ કરાવ્યો છે કેમ, અગાઉ કરાવેલા ટેસ્ટનું શું પરિણામ આવ્યું હતું તે વિશેની માહિતી પણ મળી રહેશે. આ સાથે જણાવવામાં આવ્યું કે, જે રીતે કર્ણાટકમાં ૩૦૦૦ પોઝિટિવ લોકોને શોધવા મુશ્કેલ બન્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય. એટલે કે વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવતા પહેલાં પોતાના રહેઠાણનો પુરાવો અને ફોન નંબર રજૂ કરવા પડશે. જંગલ અને પર્યાવરણના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ કુમાર ગુપ્તા, કે જેમને અમદાવાદની કોરોનાની સ્થિતિ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમે દર્દીઓને શોધવામાં સરળતા રહે તે માટે ઓટીપી અને આધારકાર્ડની સિસ્ટમ લાવ્યા છીએ. જેનાથી અધિકારીઓને વ્યક્તિની શોધખોળ કરવામાં સરળતા રહે. એક કેસમાં એવું બન્યું હતું કે, દંપત્તિ ટેસ્ટ કરાવ્યા બાદ પુણે જતું રહ્યું હતું જેમને અધિકારીઓ શોધી શક્યા. જ્યારે અન્ય કેસમાં વ્યક્તિ હાઈવે પર કરાયેલા ટેસ્ટમાં પોઝિટિવ આવી અને તે વ્યક્તિને અમેરિકા જતી અટકાવી શકાઈ. આ સાથે તેમણે જણાવ્યું કે, વ્યક્તિના ડેટા હોવાથી તેને સરળતાથી શોધી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ‘જ્યારે આધારાકાર્ડની માગણી નહોતી કરાતી ત્યારે લોકો ખોટું સૃરનામું આપી દેતા હતા. જ્યારે ૧૦૦માંથી ૨૦ લોકો ખોટા ફોન નંબર આપતા હતા.’ તેમણે જણાવ્યું કે, એક દર્દીએ ખોટો ફોન નંબર આપ્યો હતો અને પોતાના સરનામામાં અધૂરી માહિતી આપીને જણાવ્યું હતું કે, ‘પોલીસ કમિશનર ઓફિસની પાછળ, શાહીબાગ’, આ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી હતી. આ પછી ટીમે આખા વિસ્તારની તપાસ કરવી પડી અને વ્યક્તિને શોધી શકાઈ. આવા ઘણાં કિસ્સામાં વ્યક્તિ ખોટા સરનામા અને ફોન નંબર આપતી હતી જેના લીધે તેમને શોધવા મુશ્કેલ બની શકે તેવી સ્થિતિનું નિર્માણ થતું હતું. જો કે, હવેથી આ પરિસ્થિતિ નિવારી શકાશે.