અમદાવાદ, તા.ર૦
હાલમાં ચાલતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં મંગળવારના દિવસે ગણિત વિષયનું પેપર ખૂબ જ અઘરૂં અને લાંબુ પૂછાતા વિદ્યાર્થીઓને રીતસરના ગણિતના પેપરે રડાવ્યા હતા. પાર્ટ ‘એ’માં પૂછાયેલા એમસીક્યુમાં પ્રશ્નો એટલા અટપટા હતા કે વિદ્યાર્થીઓને તેના જવાબો લખતા-લખતા આંખે પાણી આવી ગયું હતું. ગણિતનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને અઘરૂં પડતા અત્યારસુધીના સારા ગયેલા ત્રણ પેપરોનો ઉત્સાહ પણ વિસરી ગયો હતો અને ગણિત શિક્ષકોના મત પ્રમાણે છેલ્લા ર૦ વર્ષમાં આવું વિચિત્ર અને અટપટું પેપર આવ્યું નથી. ગુજરાત બોર્ડની પરીક્ષાઓ ગત ૧રમી માર્ચથી શરૂ થઈ હતી ત્યારથી વિદ્યાર્થીઓએ ત્રણ વિષયની પરીક્ષા આપ્યા બાદ મંગળવારના રોજ ગણિતનું પ્રશ્નપત્ર અઘરૂં આવ્યું હતું. પ્રશ્નપત્રોમાં વિદ્યાર્થીઓને જેનો હાઉ હોય છે અને જેને અઘરો માનવામાં આવે છે એવું જ ગણિતનું પ્રશ્નપત્ર મંગળવારના રોજ હકીકતમાં ખૂબ જ કઠિન અને અઘરૂં નીકળતા ગણિતના પ્રશ્નપત્રએ વિદ્યાર્થીઓને રીતસરના રડાવ્યા હતા અને પ્રશ્નપત્ર પૂર્ણ થતાં ક્લાસરૂમમાંથી વિદ્યાર્થીઓ રડતા-રડતા બહાર આવી રહ્યા હતા.
ગણિતના પ્રશ્નપત્રમાં પૂછાયેલ પાર્ટ-એમાં પૂછાયેલા પ્રશ્નો એટલા અઘરા અને અટપટા હતા કે જેથી વિદ્યાર્થીઓ નિયત સમયમર્યાદામાં પાર્ટ-એને ન્યાય આપી શક્યા ન હતા. જ્યારે દાખલા ગણતરીનો એવો બી-વિભાગ પણ ધાર્યા પ્રમાણે સહેલો અને સરળ ન નીકળતાં વિદ્યાર્થીઓ વધુ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. શાળાની પરીક્ષાઓમાં ૯૯ જેટલા માર્કસ લાવનાર વિદ્યાર્થીઓને પણ બોર્ડનું ગણિતનું પેપર ખૂબ જ અઘરૂં પડ્યું હતું. મંગળવારે ગણિતના પ્રશ્નપત્રમાં પુસ્તક બહારના અને અભ્યાસક્રમ બહારના પણ દાખલા પૂછીને વિદ્યાર્થીઓની કસોટી માત્ર કરવાના ઈરાદાથી પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હતા. ગુજરાત મા.શિ. બોર્ડ દ્વારા આપવામાં આવેલ બ્લ્યુ પ્રિન્ટને અવગણીને વિદ્યાર્થીઓમાં હાઉ કે ડર પેદા કરવાના મલીન ઉદ્દેશથી પેપર સેટરે પેપર તૈયાર કર્યું હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે. પરંતુ ભારે નીકળેલા ગણિતના પેપરે ત્રણ પેપરો બાદ વિદ્યાર્થીઓએ ધારેલી પરસન્ટેઝની ટકાવારીમાં ગરબડ કરી મૂકી છે તથા આ બાબતે બોર્ડ યથાયોગ્ય રીતે તટસ્થ-ન્યાયિક-નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર પેપર સેટર અને અધિકારીઓને સજાની તજવીજ કરે તેવું વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શૂર ઉઠ્યો છે.