વેલિંગટન, તા.૨
ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમના વધુ ત્રણ ખેલાડી કોરોનાગ્રસ્ત બની જતાં હવે પ્રવાસી ટીમના કુલ નવ સદસ્યો કોરોનાનો શિકાર બની ગયા છે. આમ પાકિસ્તાની ટીમ પ્રવાસે ગઈ તે સાથે જ તેણે કરેલા પ્રોટોકોલનો ભંગ હવે તેને ભારે પડી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડના આરોગ્ય વિભાગે એ બાબતની પુષ્ટિ કરી છે કે ટીમના વધુ ત્રણ સદસ્ય કોરોનાગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત હજી એક ખેલાડીનો રિપોર્ટ આવવાનો બાકી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એ ખ્યાલ આવતો નથી કે ટીમમાં પહેલી વાર ચેપ ક્યાંથી લાગ્યો હતો અથવા તો પહેલેથી જ કોરોના આવી ગયો હોવાની ખબર પડતી નથી. જે છ ખેલાડીને પોઝિટિવ આવ્યા હતા તેમાંથી બે ખેલાડી તો બીજી વાર કોરોનાગ્રસ્ત બન્યા છે. પીસીબીએ પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ટીમના કેટલાક ખેલાડી એ પુરવાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમનો કોરોન્ટાઈનનો તબક્કો જેલવાસ જેવો છે. ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ પાકિસ્તાની ટીમના ખેલાડીઓ પ્રોટોકોલનો ભંગ કરતાં ઝડપાઈ ગયા પીસીબીના સીઇઓ વસિમ ખાને પણ અગાઉ છ ખેલાડીના કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે એક સંદેશ મોકલીને તેમને પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતી. હકીકતમાં ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ પાકિસ્તાની ટીમના ખેલાડીઓ પ્રોટોકોલનો ભંગ કરતાં ઝડપાઈ ગયા હતા. તેઓ હોટેલમાં સાથે રહેતા હતા, ફરતા હતા અને ભોજન પણ સાથે લેતા હતા જેને કારણે તેમને કોરોના લાગ્યો હોવાનું મનાય છે. પાકિસ્તાની ટીમ ૧૮મી ડિસેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટની સિરીઝ રમશે.