અમદાવાદ, તા.૧૫
અમદાવાદમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ આજે અમ્યુકોના પૂર્વ વિપક્ષ નેતા બદરૂદ્દીન શેખ અને તેમની ઘરકામવાળી બાઈનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેટર બદરૂદ્દીન શેખે બે દિવસ પહેલા શંકાસ્પદ લક્ષણ જણાતા સામેથી ટેસ્ટ કરાવ્યો હતો, જે આજે પોઝિટિવ આવ્યો હતો. તો બીજી બાજુ કોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સિવાય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા ૩૦ જણાંના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો, જમાલપુર સ્થિત દેવડીવાડા ફલેટ સેનિટાઇઝ કરાયો છે. ઇમરાન ખેડાવાલાના ડ્રાઇવર અને ભત્રીજાને હોમ ક્વોરાન્ટાઈન કરાયો છે. બીજીબાજુ, અમ્યુકો વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખ અને તેમના ઘરે કામ કરતી બાઈનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આમ, એક પછી એક કોંગ્રેસના નેતાઓમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં બીજીબાજુ, કોંગ્રેસ પક્ષમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. મ્યુનિ. દ્વારા જારી કરાયેલી યાદીમાં બદરૂદ્દીન શેખ અને તેમના કામવાળી બાઈનું સરનામું એક જ હોવાથી મીડિયામાં તેમની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત ફેલાઈ હતી પરંતુ તેમના નજીકના સગાના જણાવ્યા મુજબ બદરૂદ્દીન શેખ અને તેમની પત્નીને નહીં પરંતુ કામવાળી બાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.