(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૩
આણંદ જિલ્લાનાં બોરસદ શહેરમાં સર્વોદય યુવક મંડળ સંચાલિત મદની અશરફ પ્રાથમિક શાળાનું સુવિધાસભર મકાન બનાવવા માટે જમીન ફાળવવા માટે અધિકારીઓ દ્વારા બહાના કાઢી ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા છે,એક તરફ ભાજપની રાજય સરકાર લઘુમતી સમાજનાં શૈક્ષણિક વિકાસ માટે પોકળ ગુલબાંગો પોકારી રહી છે,અને બીજી તરફ લધુમતી શાળાને જમીન ફાળવવા માટે ઠાગા ઠૈયા કરી વિવિધ બહાનાઓ બનાવીને જમીનની અરજી નકારી રહી છે,જેને લઈને રાજય સરકારનો લધુમતી વિરોધી ચહેરો ખુલ્લો પડી રહ્યો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
મળતી વિગતો અનુસાર બોરસદ શહેરમાં રાજા મહોલ્લા વિસ્તારમાં સર્વોદય યુવક મંડળ દ્વારા ધો.૧થી૮નાં વર્ગો ધરાવતી મદની અશરફ પ્રાથમિક શાળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.અને શાળા માટે હાલની જગ્યા નાની પડતી હોઈ સુવિધા સભર શાળાનાં નિર્માણ માટે સર્વોદય યુવક મંડળ દ્વારા બોરસદનાં સર્વે નં.૪૧૩ પૈકી સીટી સર્વે નં.૯ /૫૦ પૈકી ૦-૩૦ ગુંઠા જમીનની તા.૧૨-૦૧-૧૯૯૫નાં રોજ રાજય સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી.આ જમીન ફાળવવા માટે નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડમાં ઠરાવ પણ કરાયો હતો.તે જમીની માંગણીની ફાઈલ પર કામગીરી ચાલુ હતી ત્યારે જ આ જગ્યા પર ડ્રેનેજ પંપીગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેથી જાન્યુઆરી ૨૦૧૬માં ફરીવાર મંડળ દ્વારા ડ્રેનેજ પંપીગ સ્ટેશનની સામેની જગ્યા શાળાનાં મકાન નિર્માણ માટે ફાળવી આપવા માંગ કરવામાં આવી હતી.જે અંગે કલેકટર દ્વારા આ જગ્યા ઉકરડા માટે નીમ થયેલી અને પાલિકાની ડમ્પીંગ સાઈટ હોઈ તે જગ્યા આપી શકાય નહી તેવા કારણોસર અરજી નામંજુર કરી દેવામાં આવી છે,
જે જગ્યા ઉકરડા માટે નીમ થયેલી છે તેની આસપાસ હાલમાં રહેણાંક વિસ્તાર આવેલોે છે. અહીયાં પાલિકા દ્વારા શહેરભરનાં ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે,જેનાં કારણે લોકોનાં સ્વાસ્થય સામે ખતરો મંડરાઈ રહ્યો છે,રહેણાંક વિસ્તારની નજીક ધન કચરાનો નિકાલ ન કરી શકાય તે વાતથી શું કલેકટર અજાણ છે ?તેમ છતાં તેઓજ અહીયાં પાલિકાની ડંપીગ સાઈટ હોવાનું જણાવી રહ્યા છે,આ ધન કચરાનાં નિકાલનાં વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા પણ અનેક રજુઆતો કરવામાં આવી છે,અને પાલિકાનાં તત્કાલીન ચીફ ઓફીસર હીરલબેન ઠાકરે પણ આ જગ્યાએ ધન કચરાનો નિકાલ બંધ કરાવ્યો હતો. તેમજ આ જગ્યામાંથી પસાર થતો માર્ગ દાંડી હેરીટેજ માર્ગ આવેલો છે,બીજી તરફ જો ઉકરડા માટે નીમ થયેલી જગ્યા હોય તો પછી અહીંયા ડ્રેનેજ પંપીગ સ્ટેશનનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું !તેમજ પાલિકાનાં કર્મચારીઓ માટે જગ્યા કેવી રીતે ફાળવવામાં આવી! અને ઉકરડા માટે નીમ થયેલી જગ્યામાંજ અન્ય એક સંસ્થાને પણ જગ્યા ફાળવવામાં આવી હતી,તો પછી સર્વોદય યુવક મંડળને શાળા માટે જગ્યા ફાળવવા માટે ભેદભાવ કેમ થઈ રહ્યો છે.
જો આ જગ્યા શાળા માટે ફાળવવામાં આવે તો કચરો અને ગંદકી દુર થાય અને સ્થાનીક લોકોને તેમજ પર્યાવરણને પણ ફાયદો થાય એમ છે.સરકાર અને કલેકટર દ્વારા ઠાગા ઠૈયા કરાઈ રહ્યા છે,માત્ર લધુમતી સંસ્થા હોવાનાં કારણે જમીન ફાળવવામાં આવતી નથી તેવો આક્રો પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
આ જમીન ફાળવણીમાં થતા અન્યાય અંગે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા માટે બોરસદનાં ધારાસભ્ય રાજેન્દ્ર પરમાર અને આંકલાવનાં ઘારાસભ્ય અમીત ચાવડાને પણ રજુઆત કરવામાં આવી છે.