(એજન્સી) તા.૬
સઉદી અરબના રાજકુમાર મન્સૂર બિન મોકરિનનું એક હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નીપજ્યું છે. ગૃહ મંત્રાલયે વહેલી સવારે આ અંગે પુષ્ટી કરી હતી. દુર્ઘટના રવિવારે યમન સરહદ નજીક સઉદી અરબના અસીર પ્રાંતમાં સર્જાઇ હતી. હેલિકોપ્ટરમાં રાજકુમાર મન્સૂર સાથે અનેક ઉચ્ચ સ્તરના સરકારી અધિકારીઓ હાજર હતા. યમન સરહદથી ૧૬૦ કિમીના અંતરે આભા શહેર નજીક તેમનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્રિન્સ મન્સૂર અસીર પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અને પૂર્વ ક્રાઉન પ્રિન્સ મુકરિન અલ સઉદના દીકરા હતા. પ્રિન્સ મન્સૂરના પિતાને તેમના સાવકા ભાઇ કિંગ સલમાને ર૦૧પમાં સત્તા સંભાળ્યાના અમુક મહિના બાદ તેમને એકલા પાડી દીધા હતા. પ્રિન્સ મન્સૂરના પિતા ગુપ્તચર સેવા નિર્દેશક પણ રહી ચૂક્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર દુર્ઘટનામાં કોઇપણ વ્યક્તિ જીવિત નથી. પ્રિન્સ મન્સૂર સાથે હેલિકોપ્ટરમાં સવાર તમામ અધિકારીઓ મોતને ભેટી ગયા છે. અમુક રિપોર્ટમાં મૃતકોની સંખ્યા આઠ જણાવાઇ છે. પ્રિન્સ મન્સૂરનું હેલિકોપ્ટર કયા કારણોસર દુર્ઘટનાગ્રસ્ત થયું હાલ તેના વિશે કોઈ માહિતી જાહેર કરાઇ નથી. સુરક્ષા અધિકારીઓ પણ કારણ જણાવી શક્યા નહોતા પણ તેમણે કહ્યું કે અમે તપાસ કરી રહ્યાં છીએ. બીજી બાજુ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં પણ ફક્ત અકસ્માતના જ સમાચાર અપાયા છે. સઉદી અરબની એક એન્ટી કરપ્શન સમિતિએ ડઝનેલ લોકોને તાજેતરમાં જ નિશાને લીધા છે જેમાં ૧૧ પ્રિન્સ અને ચાર મંત્રીઓ પણ સામેલ છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાનની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી હતી.