(એજન્સી) તા.૭
યુપીના ભગવાધારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પીઠબળ હેઠળ ઉત્તરપ્રદેશની પોલીસે ગુનગારો વિરુદ્ધ મોટાપાયે અભિયાન ચલાવવાની શરુઆત કરી છે. જોકે ઘણા ગુનેગારો એવા છે જેમને એન્કાઉન્ટર હેઠળ ઠાર મારી દેવામાં આવ્યા છે તો ઘણા ગુનેગારો એવા પણ છે જેમણે મોતના ભય હેઠળ આત્મસમર્પણ કરવાની શરુઆત કરી દીધી છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા મળેલા ડેટા અનુસાર માર્ચ ર૦૧૭થી જાન્યુઆરી ર૦૧૮ દરમિયાન કુલ ૧૧૪ર જેટલા એન્કાઉન્ટર યુપીમાં કરવામાં આવ્યા છે અને બીજી બાજુ ૩૮ જેટલા ગુનેગારો ઠાર મરાયા છે. પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને ખુલ્લેઆમ ગોળીબાર કરવાનો આદેશ છે. ખાસ કરીને લખનૌ, સહારનપુર, ગોરખપુર, બાગપત તથા અન્ય વિસ્તારોમાં પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. જોકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી લીલી ઝંડી તથા પોલીસનું પણ ભરપૂર સમર્થન જ આ એન્કાઉન્ટર માટે પાયો બન્યો છે અને તેના કારણે જે આંકડો સામે આવ્યો છે તે ખરેખર તો ચિંતાજનક છે. કોઇ નક્કર પુરાવાઓને આધારે એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યાં હોય તેવું પણ નથી જણાતું. આ પણ સત્ય છે કે પોલીસના એન્કાઉન્ટર સામે જાહેર જનતાએ પણ ગર્ભિત મૌન ધારણ કરીને જાણે મંજૂરી આપી હોય તેવું જણાય છે. ન્યાયપ્રણાલી ધ્વસ્ત થતી જઇ રહી હોવાના લક્ષણો જોવા મળવાથી એન્કાઉન્ટરની ઘટનાઓ હવે કોઇ મોટી સમસ્યા રહી ગઇ નથી. લોકો હવે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાનો ઝડપી ઉકેલ ઇચ્છે છે. એક ચોક્કસ પ્રક્રિયા હેઠળ પોલીસના વડાઓ અને પ્રોફેશનલ પર એન્કાઉન્ટરને પ્રોત્સાહન આપતા નથી. તેઓ કાયદાનું પાલન ઇચ્છે છે. કાયદાના અમલીકરણ માટે કાયદાનો જ ભંગ કરવો એ લોકશાહી સમાજમાં મંજૂરીને પાત્ર નથી. આ એક વાંધાજનક પ્રક્રિયા છે. આનો સાચો જવાબ એક જ છે કે કાયદાને મજબૂત બનાવો અને કાયદા પ્રક્રિયાને પણ મજબૂત બનાવો. આંધ્રપ્રદેશમાં સિવિલ લિબર્ટિઝ કમિટી દ્વારા આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલા ફેક એન્કાઉન્ટર વિરુદ્ધ ધી નેશનલ હ્યુમન રાઇટ્‌સ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં તે મામલે જાહેરમાં સુનાવણી કરવામાં આવી. પુરવાઓ એકઠાં કરાયા. કમિશને નોંધ લીધી કે ખાનગી સુરક્ષાના અધિકારના બહાને ફેક એન્કાઉન્ટરને જસ્ટિફાય ના કરી શકાય. જોકે યુપીના મામલે કેટલાક નિવૃત્ત પોલીસ અધિકારીઓ વર્તમાન પોલીસને ચેતવણી આપી ચૂક્યા છે કે તેઓ સત્તાનો દુરુપયોગ કરતા બચે.