અમદાવાદ, તા.૨૨
હવે ધીમે-ધીમે લગ્ન સિઝન જામતી જાય છે. એવામાં પાર્ટી પ્લોટોમાં દાગીના કે કેશ ભરેલી બેગની ઉઠાંતરી કરતી ટાબરિયા ગેંગ પણ સક્રિય થઈ રહી છે. આ ગેંગ સૂટબૂટમાં મહેમાનની જેમ આવે છે અને નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ જાય છે. સોલામાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં એક ટાબરિયો લગ્નમાં જમણવારમાં જમવા બેઠેલી મહિલાની નજર ચૂકવી ૪.૫૦ લાખના દાગીના ચોરી કરી ફરાર થઈ જાય છે.
થલતેજના ગુલાબ ટાવર પાસે આવેલા ગૌરવ બંગલોમાં રહેતા દીપકભાઈ પટેલ એક એન્જિનિયરીંગ કંપનીમાં નોકરી કરે છે. તેમની પિતરાઈ બહેન ખુશાલીના લગ્ન ગ્રીનવુડની સામે ઉમિયા ફાર્મમા રાખ્યા હતા. સહુ કોઈના મનમાં લગ્નનો ઉત્સાહ હતો. લોકો લગ્નમાં વ્યસ્ત હતા. લગ્નની વિધિ પત્યા બાદ પરિવાર એક સાથે જમવા બેઠો હતો. ત્યારે તેમના મોટા બા નિતા બા જમીને ઉભા થયા ત્યારે ટેબલ નીચે એમના પગ પાસે મૂકેલી બેગ જણાઈ આવી નહોતી. જેથી નિતા બાએ પરિવારને જાણ કરી. જાણ કરતા જ આ બેગની ભાળ ન મળી. બેગમાં ૪.૫૦ લાખના દાગીના હતા. જેથી સોલા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી.
સોલા પોલીસે આ લગ્નની વીડિયોગ્રાફી જોતા જ તેમાં એક ટાબરિયો પરિવાર સાથે જમવા બેઠો હતો. ટાબરિયો લગ્નના પરિવાર સાથે જ સજીધજીને જમવા બેઠો હતો અને મોકો મળતા જ તે બેગ સેરવીને જતો રહ્યો હોવાનો પુરાવો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લગ્ન સીઝનમાં આ ટાબરિયા ગેંગ સક્રિય થતી હોય છે ત્યારે હજુ લગ્ન સિઝન શરૂ થતી હોવાથી આગામી દિવસોમાં લગ્ન આયોજકોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.