અમદાવાદ, તા.૨૩
અમદાવાદ શહેરના એસજી હાઈવે ખાતેથી એક વાહન ચોર અને દારૂ વેચવા સહિતના ત્રણ ગુનામાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે શહેરના એસજી હાઇવે પાસેના ગોતા બ્રિજ નજીકથી આરોપી ગૌરાંગ ઉર્ફે વિજયસિંહ પ્રહલાદભાઈ રાવલને ઝડપી પાડયો હતો. તેની પાસેથી આરટીઓ નંબર વગરની બુલેટ બાઈક પણ મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતાં તેની પાસેથી મળી આવેલી ચોરીની બુલેટ બાઈક તેણે પોતાના સાગરિત પાસેથી લીધી હતી. તદ્‌ઉપરાંત છેલ્લા પાંચ મહિનાથી તે આ બાઈકનો ઉપયોગ કરતો હતો તથા પોતે ચોરીછૂપીથી દમણથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં વેચતો હતો જેથી ચાર વર્ષથી તાલાળા પોલીસ સ્ટેશન તથા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ મુજબના ગુનામાં નાસતો ફરતો હતો તેમજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસ ચોરીના કેસમાં પણ નાસતો ફરતો હતો. વધુમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ એવો છે કે, આરોપી ગૌરાંગે વર્ષ ૨૦૧૦માં ચાંદખેડા પોલીસ સ્ટેશન, સાબરમતી પોલીસ સ્ટેશન, પેથાપુર સ્ટેશન, અડાલજ તથા માણસા પોલીસ સ્ટેશનના અને ત્રણ વર્ષ પહેલાં પણ ઉંઝા, કડી અને વિસનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે તેમજ ગૌરાંગ પાસેથી મળી આવેલું ચોરીનું બુલેટ બાઇક તપાસ કરતા અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ પહેલાં ચોરી થયું હોવાનું જાણવા મળ્યું છે.