(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા. ૨૨
ગુજરાતમાં સ્કૂલ હેલ્થ સર્વેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્સર, કિડની અને હાર્ટ સાથે સંબંધિત રોગ બાળકોમાં વધ્યા છે. આ રોગમાં ૫૩ ટકા સુધીનો વધારો નોંધાવા પામ્યો છે. સર્વેમાં અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. કેન્સર, હાર્ટ અને કિડનીની સમસ્યા બાળકોમાં વધી છે. આ તમામ પ્રકારના રોગથી ૧૧૯૨૩ બાળકો ગ્રસ્ત થયેલા છે. વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીમાં કેન્સર, કિડની અને હાર્ટના રોગ સાથે સંબંધિત બાળકોની સંખ્યામાં ૫૩ ટકાનો વધારો થયો છે. વિધાનસભામાં આ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ધારાસભ્ય સુરેશ પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં સ્કૂલમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે, ૧૪૦૦ બાળકો કેન્સરથી, ૮૧૭૭ બાળકો હાર્ટની માંદગીથી અને ૨૩૫૫ બાળકો કિડની સાથે સંબંધિત રોગથી ગ્રસ્ત રહ્યા છે. સરકારે કહ્યું છે કે, આ ૧૧૯૨૩ બાળકોની સારવારમાં ૪૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સરકારે એમ પણ કહ્યું છે કે, જે બાળકો કેન્સરથી ગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે તેમને સારવાર માટે એમપી શાહ કેન્સર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાર્ટની સમસ્યાવાળા બાળકોને યુએન. મહેતા હોસ્પિ.માં મોકલવામાં આવ્યા હતા અને કિડનીનીથી ગ્રસ્ત બાળકોને કિડની ઇન્સ્ટીટ્યુટમાં મોકલવામાં આવ્યા હતા. ૨૦૧૬-૧૭માં સ્કૂલ હેલ્થ સર્વે અને પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન નવેમ્બર ૨૦૧૬થી જાન્યુઆરી ૩૧ વચ્ચે કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૪ લાખ બાળકોને આવરી લેવાયા હતા. આંગણવાડીથી લઇને ધો.૧૨ સુધીના બાળકોને આવરી લેવાયા હતા.