અમદાવાદ, તા.ર૭
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરત શહેરના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ આસ્થાનાએ ૨૦૧૧થી ૨૦૧૬ના તેમના કાર્યકાળ દરમ્યાન પોલીસ વેલ્ફેર ફંડના ૨૦ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાના અહેવાલોને તદ્દન બિન પાયેદાર અને સત્યથી વેગળા ગણાવ્યા છે.
ગૃહ મંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, સુરતના એક નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટરે કરેલા આ આક્ષેપોની સુરત પોલીસ કમિશનરના રેકર્ડ સાથે તપાસ કરતા રાકેશ આસ્થાનાના સુરત સી પી તરીકેના ૨૦૧૧થી ૨૦૧૬ના સમય ગાળામાં આવી કોઇ જ રકમ કે, એક પૈસો પણ પોલીસ વેલ્ફેર ફંડમાંથી ભાજપમાં જમા કરાવવામાં આવ્યું નથી.
તેમણે ઉમેર્યુ કે, જયારે એ પુરવાર થઇ ગયું છે કે, સુરત પોલીસ વેલ્ફેર ફંડમાંથી એક પણ રૂપિયો ભાજપમાં જમા થયો નથી ત્યારે હવે એક નિવૃત્ત પી.એસ.આઇ.ને હાથો બનાવી ગુજરાતને અને ભાજપને ખોટી રીતે બદનામ કરનારા તત્વો ખુલ્લા પડી ગયા છે.
પ્રદીપસિંહએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતને યેન-કેન પ્રકારે બદનામ કરવા માગતા તત્વો આવા પાયા વગરના અને આધાર પુરાવા વિનાના સમાચારો વહેતા મૂકે છે.
તેમણે કહ્યું કે, ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આવા ગપગોળા ફેલાવનારાઓની આ ચાલ સફળ થઈ નથી.