(એજન્સી)            નવી દિલ્હી, તા.૧૯

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ હવે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (સીબીઆઇ) દ્વારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની બાબતને જ ઉચિત ઠરાવી હતી. આ કેસનો ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે એમ પણ કહ્યું હતું કે બિહાર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર યોગ્ય છે. મહારાષ્ટ્ર સરકારે પણ તમામ આદેશનું પાલન કરવાનું રહેશે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને પણ આ કેસને લગતા તમામ પૂરાવા સીબીઆઇને સોંપી દેવાનો આદેશ કર્યો હતો અને તપાસમાં સીબીઆઇને તમામ સહકાર આપવાની પણ તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા બાદ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર અને સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને મોટો ફટકો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં તમામ પક્ષોની દલીલો સાંભળીને ગત ૧૧ ઓગસ્ટના રોજ સુનાવણી સમાપ્ત કરી હતી અને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી કરી રહેલાં ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયે આ કેસના તમામ પક્ષકારોને તેઓની દલીલો એક કાગળમાં લખીને ૧૩ ઓગસ્ટ સુધી જમા કરાવી દેવાની મંજૂરી આપી હતી. તદઅનુસાર તમામ પક્ષકારોએ પોતપોતાની દલીલો ૧૩ ઓગસ્ટ સુધી કોર્ટમાં જમા કરાવી દીધી હતી.

મહારાષ્ટ્ર સરકાર અને રિયા ચક્રવર્તીએ કોર્ટ સમક્ષ આ કેસમાં સીબીઆઇમાં નોંધાયેલી એફઆઇઆર મુંબઇ પોલીસને ટ્રાન્સફર કરી દેવાની માંગ કરી હતી. જો કે બિહાર સરકાર અને સુશાંતસિંહ રાજપૂતના પિતાએ તેઓની માંગણીનો જોરદાર વિરોધ કર્યો હતો. ગત ૧૪ જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ફ્લેટમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવેલા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી જ લઇને આવી હતી. પોતાની અરજીમાં રિયા ચક્રવર્તીઓ પોતાની વિરૂદ્ધમાં પટણા પોલીસે નોંધેલી એફઆઇઆર મુંબઇ પોલીસને ટ્રાન્સફર કરી દેવાની દાદ માંગી હતી યાદ રહે કે સુશાંતસિહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપર સુશાંતસિંહને માનસિક રીતે ત્રાસ આપવાનો, તેમના કરોડો રૂપિયા ચાંઉ કરી જવાનો અને તેને આત્મહત્યા કરવા મજબૂર કરી દેવા જેવા અત્યંત ગંભીર આરોપ મૂક્યા હતા. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં શરૂ થાય તે પહેલાં જ બિહાર સરકારે સુશાંતસિહ રાજપૂતના મૃત્યુની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવા કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી ને કેન્દ્ર સરકારે પણ તેમની ભલામણ સ્વિકારી લીધી હતી.