અમદાવાદ,તા.૬
રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલના જામીન રદ કરાવવા સરકારપક્ષ તરફથી શુક્રવારના રોજ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. સેશન્સ કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ વિરૂધ્ધ નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.૯મી એપ્રિલના રોજ રાખી હતી. બીજીબાજુ, હાર્દિક પટેલે રાજદ્રોહ કેસમાંથી બિનતહોમત પોતાને છોડી મૂકવા અંગેની ડિસ્ચાર્જ અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના નિર્ણય સામે આજે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુક્કર કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ભાજપ સરકારને હેરાન-પરેશાન કરી નાંખનાર પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલ સામેનો હિસાબ પતાવવા સરકાર હવે મેદાને પડી હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક પટેલ સામે રામોલ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં તેણે શરતી જામીનનો ભંગ કર્યો હોવાથી તેના જામીન રદ કરવા સામે સરકારે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તા.૨૦-૩-૨૦૧૭ના રોજ વસ્ત્રાલ આસ્થા બંગ્લોઝ ખાતે રહેતા ભાજપાના કોર્પોરેટર પરેશ પટેલના ઘર પર હાર્દિક પટેલ અને તેની સાથેના ૫૦ થી ૬૦ લોકોએ હુમલો કર્યો હતો. જે મામલે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં આરોપી હાર્દિક પટેલે કરેલી જામીન અરજીમાં તેને રામોલ પોલીસ મથકની હદમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ હાર્દિક પટેલે જામીનની આ શરતનો સરેઆમ ભંગ કરી ગત તા. ૩જી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રામોલ વિસ્તારમાં જ ગીતાબેન પટેલનાં ઘરે ગયા હતા. આમ આરોપી હાર્દિક પટેલે કોર્ટની જામીનની શરતનો ભંગ કર્યો છે અને અદાલતી ફરમાનનું અપમાન કર્યું છે.