Ahmedabad

શાળાઓમાં ઉનાળુ વેકેશન હવે ૭ મેથી ૧૦ જૂન સુધી રહેશે

ગાંધીનગર, તા.૩
રાજ્યમાં વધતી જતી ગરમીને લીધે શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળા કેલેન્ડરમાં ઉનાળુ વેકેશનની તારીખ ૧લી મે ર૦૧૮થી ૪ જૂન ર૦૧૮ સુધીનો હતો. જેમાં ફેરફાર કરી ૭મી મે ર૦૧૮થી ૧૦ જૂન ર૦૧૮ સુધી વેકેશનનો સમયગાળો કરવામાં આવ્યો છે. જે અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ૩ એપ્રિલના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી જેમાં શાળાઓમાં ઉનાળું વેકેશનની તારીખોમાં ફેરફાર કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યભરમાં દિવસે દિવસે વધતી ગરમી અને લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો થતો હોવાના કારણે શાળાઓના ઉનાળુ વેકેશનની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળાઓના કેલેન્ડરમાં ૧લી મે ર૦૧૮થી ૪ જૂન ર૦૧૮ સુધીનો વેકેશનનો સમયગાળો નિયત કરાયો હતો જેમાં ફેરફાર કરી તા. ૭મી મે ર૦૧૮થી ૧૦ જૂન ર૦૧૮ સુધી ઉનાળુ વેકેશનમાં સમયમાં વધારો કરાયો છે. જેથી વિદ્યાર્થીઓને ગરીમીથી રાહત મળશે અને વહેલું વેકેશન ખુલશે નહીં તેથી ગરમીમાં શાળાએ જવાની પણ જરૂરિયાત ઊભી નહીં થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક શાળાઓએ હાલ પોતાના શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. કેટલીક શાળાઓએ શાળાનો સમય સવારનો રાખ્યો છે જેથી વિદ્યાર્થીઓને અંગ દઝાડતી ગરમીમાં શાળાએ જવું નહીં પડે અને હાલમાં શાળાઓમાં પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેથી સવારના સમયમાં પરીક્ષાઓ પણ સંપન્ન થઈ જાય છે.