અમદાવાદ,તા.ર૬
વર્ષ ર૦૦૩માં એટીએસના અધિકારીઓએ અમદાવાદમાં વિવિધ બિલ્ડીંગો ઉડાવી દેવાના કેસમાં ૭ આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓમાંથી છ આરોપીઓનો કેસ ચાલતા તેઓ નિર્દોષ છુટયા હતા. ત્યાર બાદ પાછળથી પકડાયેલા ભરૂચના ઈસ્માઈલ પટેલનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મંગળવારના રોજ એડિશનલ સેશન્સ જજ ટી.કે. રાણાએ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. વર્ષ ર૦૦રના ગોધરાકાંડના કેસો પૈકી એટીએસના અધિકારીઓએ ર૦૦૩માં આરોપીઓ નુરૂદ્દીન, પીર અલી, હારીસ, જુનેદ, ઝાહીદ, અલ્તાફ શેખ અને પાછળથી ર૦૧૬માં ધરપકડ થયેલા ભરૂચના ઈસ્માઈલ પટેલ પર અમદાવાદમાં વિવિધ બિલ્ડીંગો ઉડાવી દેવાનું કાવતરૂ રચવા અને બોમ્બની સર્કિટ બનાવવા તથા પ્રતિબંધિત સંસ્થા જૈશે મુહમ્મદની સાથે મળી દેશ વિરૂધ્ધ યુધ્ધ કરવાનો આરોપ મુકી અનલોફુલ એકટીવીટીઝ એમેડમેન્ટ તથા વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી ચાર્જશીટ રજુ કરી હતી. જેમાં ઈસ્માઈલ સિવાયના અન્ય આરોપીઓ અગાઉ જ છુટી ગયા હતા. જયારે પાછળથી ર૦૧૬માં પકડાયેલ ઈસ્માઈલના કેસનો તા.રપ-૯-૧૮ના મંગળવારના રોજ ચુકાદો આપતા એડીશનલ સેશન્સ જજ ટી.કે. રાણાએ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી જમીઅતે ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) તરફથી એડવોકેટ ખાલિદ શેખે દલીલો કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટના ચુકાદામાં એટીએસે પકડેલા સાતે આરોપીઓ નિર્દોષ છુટી ગયા છે. ત્યારે રાજયની સૌથી શ્રેષ્ઠ કહેવાતી સુરક્ષા એજન્સી એવી એટીએસે વાહવાહી લૂંટવા માટે આ આરોપીઓને પકડયા હતા ? કે કેમ ? જેવા અનેક સવાલો એટીએસની કામગીરી સામે ઉઠી રહ્યા છે.