ઝિંદગી કતરે કી સિખલાતી હૈ અસરાર-એ-હયાત
યે કભી ગૌહર, કભી આંસુ હુવા
– અલ્લામા ઈકબાલ
‘જળ વિના જીવન’ની કલ્પના કરવી અશક્ય છે. પાણીની અછત એ દરેક સજીવ માટે જાણે કે મૃત્યુદંડ બની જાય છે. સૂકી ધરતી પર પડેલી ફાટની જેમ જીવનની ધરતી પણ જાણે કે પાણી વિના શુષ્ક બની જાય છે. જળ વિના આત્મા ફૂલની જેમ કરમાઈ જાય છે અને પોતાની તરસ છીપાવવા મોત છાનેપગે વહી આવે છે.
દક્ષિણ કોરિયાના સુવોન ખાતે આવેલા એક પાર્કમાં એક ચકલી નળમાંથી પાણી પીવાનો પ્રયાસ કરી રહી હતી તે સમયે ઉપરોક્ત તસવીર ઝડપવામાં આવી હતી. નળના ચળકાટ અને ચકલીની અથાક મહેનત બાદ તેને પાણીનું ટીપું નસીબ થયું કે નહી એ સ્પષ્ટ થતું નથી પરંતુ એક ટીપા માટેનો તેના યત્ન અને તલસાટ ઘણું બધું કહી જાય છે. પાણીના એક ટીપાની કિંમત કેટલી હોય છે એની સાચી અનુભૂતિ તો આ ચકલી જેવાં તરસ્યાં જીવોને જ થતી હશે. પાણીનું એક એક ટીપું અમૂલ્ય છે પણ બેહિસાબ રીતે તેનો વેડફાટ કરતા માનવીઓને આ વાસ્તવિકતા ક્યારે સમજાશે ?