અમદાવાદ, ૧૪
સુરતમાં જીએસટીના પ્રચંડ વિરોધ બાદ હવે અમદાવાદમાં કાપડબજારના વેપારીઓની અચોક્કસ મુદતની હડતાળ પાડી પોતાની લડત પર અડગ રહ્યા છે અને હવે આવતીકાલે અમદાવાદ શહેરમાં કાપડઉદ્યોગના વેપારીઓ-કારીગરોની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીમાં રાજયભરમાંથી કાપડબજારના એક લાખથી વધુ વેપારીઓ-કારીગરો જોડાનાર છે. કાપડબજારના વેપારીઓ દ્વારા સેલ્સટેક્સ ઓથોરીટીના ચીફ કમિશનર અને જીએસટી કન્વીનર, ગુજરાત સહિતના સત્તાવાળાઓને આવેદનપત્ર આપી જીએસટીનો જોરદાર વિરોધ વ્યકત કરાશે. આવતીકાલની મહારેલીને લઇ શહેરમાં પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે. કાપડબજારના વેપારીઓની આ મહારેલી આવતીકાલે સવારે ૧૦-૩૦ વાગ્યે ન્યુ કલોથ માર્કેટ ગેટ નંબર-૧થી શરૂ થશે. ઓલ ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ જીએસટી સંઘર્ષ સમિતિના પ્રમુખ તારાચંદ કાસટ લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવશે. મહારેલીમાં જીએસટીના વિરોધના બેનરો, સ્લોગન, પ્લે કાર્ડ લઇ વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાશે. રાજયભરમાં અંદાજે એક લાખથી વધુ વેપારીઓ જોડાવાની શકયતા છે. આ રેલીમાં તમામ કાપડ મહાજનો, અમદાવાદ ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન, અમદાવાદ હેન્ડ પ્રિન્ટ દાણીલીમડા એસોસીએશન, હાથરૂમાલ એસોસીએશન, એમ્બ્રોઇડરી એસોસીએશન અને કાપડબજાર વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કોન્ટ્રાકટર્સ પણ જોડાશે. આ મહારેલી ન્યુ કલોથ માર્કેટ થઇ આસ્ટોડિયા થઇ, ટાઉનહોલ થઇ, નહેરૂબ્રીજ ચાર રસ્તા થઇ આશ્રમરોડ સેલ્સટેક્સ ભવન ખાતે ચીફ કમિશનરને આવદેનપત્ર સુપ્રત કરવામાં આવશે. સાથે સાથે જીએસટી કન્વીનર, ગુજરાતને પણ વેપારીઓના પ્રતિનિધિમંડળ તરફથી આવેદનપત્ર સુપ્રત કરાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કાપડબજારના વેપારીઓ પર જીએસટીઓના વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ દ્વારા નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કરવાની ઘટના બાદ રાજયભરના કાપડબજારના વેપારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અમદાવાદમાં પણ જીએસટી સામે વિરોધનો જોરદાર વંટોળ ફુંકાયો છે. જીએસટીના વિરોધમાં કાપડબજારના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. શહેરના ન્યુ કલોથ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, નૂતન કલોથ માર્કેટ, પાંચકુવા સિંધી માર્કેટ, શ્રીરામ માર્કેટ, મસ્કતી માર્કેટ, હરીઓમ માર્કેટ, સુગ્નોમલ માર્કેટ, સફલ-૧,૨ અને ૩ માર્કેટ સહિતના કાપડબજારોમાં બંધના લીધે સન્નાટાનો માહોલ છવાયો છે અને છેલ્લા પાંચ દિવસથી કાપડબજારનું કામકાજ ઠપ્પ થઇ ગયુ છે.
કાપડબજારના વેપારીઓએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, જયાં સુધી સરકાર જીએસટીના મુદ્દે તેઓની માંગ નહી સ્વીકારે ત્યાં સુધી કાપડબજારની અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે. કાપડબજારના વેપારીઓના વિરોધ અને ઉગ્ર માંગણી છતાં રાજય સરકારે હજુ સુધી સમાધાનકારી વલણના પ્રયાસ સુધ્ધાં કર્યા નથી. એક દિવસની હડતાળ કે બંધના કારણે વેપારીઓને આશરે ચાર હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય તે જોતાં અચોક્કસ મુદતની હડતાળથી વેપારીઓને હજારો કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે, તેમછતાં વેપારીઓ આ આર્થિક નુકસાન સહન કરીને પણ જીએસટી સામેની લડત લડવાના મક્કમ નિર્ધાર પર કાયમ છે.