અમદાવાદ, તા.ર૬

કોરોનાના કાળ વચ્ચે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. બી.કોમ, બીબીએ, બીસીએ કોલેજોમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિ દ્વારા આ ફાળવણી કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ ૨૯ જુલાઈ સુધી ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે. અત્યાર સુધી ૩૬,૬૬૯ બેઠકો પર પ્રવેશ ફળવાયો છે. જ્યારે પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો ૨૭,૦૩૩ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે પ્રથમ રાઉન્ડમાં ફાળવણી બાદ ૯૯૩૬ બેઠકો ખાલી રહી છે. જો કે, બીજી તરફ આ ફાળવણીને લઈ કેટલાક સવાલ પણ ઊભા થયા છે. ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવેલ આ ફાળવણી બાદ અનેક વિદ્યાર્થીઓને ચોઈસ મુજબ પ્રવેશ ના મળ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. બીબીએમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને બી.કોમમાં પ્રવેશ ફાળવાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મોક રાઉન્ડમાં પ્રવેશ ના મળ્યા બાદ વિદ્યાર્થીઓએ વધારાની ચોઈસ ના કરતા પ્રવેશથી વંચિત થયા છે.