પંચકુલામાં સીબીઆઈ અદાલતે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ-રહીમસિંહને બળાત્કાર માટે અપરાધી ઠરાવ્યા બાદ હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તારોમાં મોટાપાયે હિંસા ભડકી ઉઠતા ૩૦થી વધુ લોકોનાં મોત થયા હતા. ભાજપ સરકાર પર ઘોર વહીવટી નિષ્ફળતાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ચુકાદાની પૂર્વ સંધ્યાએ પંચકુલા ખાતે ડેરાના લાખો સમર્થકો એકત્ર થયા હતા. અધૂરામાં પૂરું હરિયાણાના શિક્ષણપ્રધાન રામવિલાસ શર્માએ એવી ટિપ્પણી કરી હતી કે કલમ ૧૪૪ ડેરાના સમર્થકોને લાગુ પડતી નથી. તેમણે પંચકુલા ખાતે એકત્ર થયેલા લાખો લોકોનો બચાવ કર્યો હતો. તેમણે ડેરા સમર્થકોને સરળ અને શાંતિચાહક લોકો તરીકે ગણાવ્યા હતા કે જેઓ એક છોડવાને પણ ઈજા પહોંચાડશે નહીં.
ડેરા સાથેનું શર્માનું કનેક્શન જગજાહેર છે. તાજેતરમાં તેમણે ડેરાને સમર્થનના ભાગરૂપે ૫૧ લાખનું ડોનેશન આપ્યું હતું. માત્ર શર્મા જ નહીં પરંતુ હરિયાણાના ભાજપના સંખ્યાબંધ નેતાઓ ડેરા સાથે ગાઢ કનેક્શન ધરાવે છે. રામ-રહીમના અન્ય મુખ્ય સમર્થકોમાં ભાજપના આરોગ્ય પ્રધાન અનિલ વીજનો પણ સમાવેશ થાય છે કે જેમણે ડેરાના સ્પોર્ટસ પ્રોજેક્ટ માટે હરિયાણાના બજેટમાંથી રૂા.૫૦ લાખનું દાન આપ્યું હતું.
બીજા એક પ્રધાન મહેશ ગ્રોવરે ડેરાને રૂા.૧૧ લાખનું દાન આપ્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી પણ ડેરાને સમર્થન છે. કેન્દ્રીય રમતગમત પ્રધાન વિજય ગોયલે ડેરાને કેન્દ્રીય ભંડોળમાંથી સહાય આપવાની ખાતરી આપી હતી. આમ શર્મા, વીજ અને ગ્રોવર એમ ત્રણ નેતાઓએ ડેરાને રૂા.૧ કરોડ કરતા વધુ રકમ આપી હતી. ડેરા સાથેના સારા સબંધોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વડા અમિત શાહની પણ સક્રિય ભાગીદારી હતી.
૨૦૧૪માં હરિયાણા વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બળાત્કારના આરોપી ગોડમેન પર શિર્સા ખાતે એક રેલીને સંબોધતી પ્રશંસાના પુષ્પો વરસાવ્યા હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં ડેરાએ ભાજપને ખુલ્લેઆમ સમર્થન જારી કર્યું હતું. અહેવાલો અનુસાર ગુરૂ સાથે આ સોદો અન્ય કોઈ નહીં પણ ભાજપના વડા અમિત શાહે કર્યો હતો. અમિત શાહ ઓક્ટાબરના પ્રથમ સપ્તાહમાં ગુરૂને મળ્યા હતા અને હરિયાણા-મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અમિત શાહની બેઠકના છ દિવસ બાદ ભાજપના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય હરિયાણાની ચૂંટણી માટેના ભાજપના ૪૪ ઉમેદવારોને ડેરાના વડાને મળવા લઈ ગયા હતા. મોદી સરકારે પોતાના સ્વચ્છ ભારત અભિયાન માટે પણ રામ-રહીમનો ઉપયોગ કર્યો હતો. ભાજપના નેતાઓ ગુરૂના સતત સંપર્કમાં હતા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હરિયાણા અને પંજાબમાં ભાજપ માટે મત લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવી તેમની પાસે અપેક્ષા રાખી હતી એવું ભાજપના એક વરિષ્ઠ નેતાએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે વેબપોર્ટલ કેચને જણાવ્યું હતું.
આમ ભાજપ અને સંઘે ગુરમિત રામ-રહીમસિંહ નામના દૈત્યને દાન આપીને તેને પ્રોત્સાહિત કર્યો હતો. ભાજપ માટે ડેરાનું મહત્ત્વ માત્ર ચૂંટણી પૂરતું જ સંબંધિત નથી. ભાજપના પિતૃ સંગઠન આરએસએસના ગેમપ્લાનમાં પણ તે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અમૃતસરમાં સંઘના એક કાર્યકરે આ વર્ષના આરંભે પંજાબ ચૂંટણી દરમિયાન જણાવ્યું હતું કે, સંઘ પણ છેલ્લા કેટલાક વર્ષોથી રાધાસ્વામી સત્સંગ, ડેરા સચ્ચા સૌદા જેવા વિવિધ ડેરાઓનું ખેડાણ કરવામાં સક્રિય છે. આ એજન્ડાને આગળ ધપાવવા આરએસએસના વડા મોહન ભાગવતે ૨૦૧૪માં દ.પંજાબમાં માનસા ખાતે કેટલોક સમય ગાળ્યો હતો અને તેઓ રાધાસ્વામી સંપ્રદાયના વડા બાબા બુરિન્દરસિંહ ધિલ્લોનને મળ્યા હતા.ડેરા સચ્ચા સૌદાના મૂળ પણ રાધાસ્વામી સત્સંગ સંપ્રદાયમાં છે. તેના સંસ્થાપક ખેમા માલ ઉર્ફે બલુચિસ્તાની શાહ મસ્તાના રાધાસ્વામીના બાબા સાવંતસિહના શિષ્ય હતા આમ પંજાબના સામાજિક રાજકીય માહોલમાં આરએસએસ અને ડેરા સિક્કાની એક જ બાજુ
સમાન છે.
(સૌ. : કેચન્યૂઝ)