(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૯
ક્રૂડ ઓઈલના ભાવો આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષ ર૦૧૩ની સરખામણીમાં અડધા થઈ ગયા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા કરી ભાજપ સરકાર પ્રજાને લૂંટી રહી છે. આથી સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર જીએસટીના મહત્તમ ર૮ ટકાથી વધારે એટલે કે ૪પ ટકા જેટલો ટેક્ષ છે તો નાબૂદ કરવા અથવા તેના ઉપર તાત્કાલિક અસરથી જીએસટી લાગુ કરવા કોંગ્રેસના પ્રવકતા ડો. હિમાંશુ પટેલે માગણી કરી છે. પેટ્રોલ-ડીઝલમાં કૃત્રિમ ભાવવધારાથી મોંઘવારીમાં થયેલો વધારો તહેવારોમાં સામાન્ય પ્રજાની કમર તોડી નાંખશે. સપ્ટેમ્બર-ર૦૧૩માં ખનીજ તેલની કિંમત બેરલ દીઠ ૧૦૯ ડોલર હતી. ત્યારે પેટ્રોલની મહત્તમ કિંમત ૭૮-૭૯ રૂપિયા થઈ હતી. જયારે આજે ખનીજ તેલની કિંમત બેરલ દીઠ માત્ર ૬૪ ડોલર હોવા છતાં પેટ્રોલના ભાવ રૂપિયા ૮૦-૮૧ થઈ ગયા છે. ત્રણ વર્ષ પહેલાં યુપીએની સરકાર વખતે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે અત્યારના વડાપ્રધાનથી લઈ લગભગ તમામ કેન્દ્રીય મંત્રીમંડળ અને ગુજરાત સરકારે જબરજસ્ત વિરોધ કર્યો હતો. જેમાં ભાજપે દિવસો સુધી સંસદ પણ ચાલવા દીધી નહોતી એ જ રીતે ભૂતકાળમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં બળદગાડું લઈને સંસદ ગયા હતા. ભાજપ સરકારે જીએસટીનો ઉપયોગ પ્રજાને લૂંટવા માટે શસ્ત્ર તરીકે કર્યો છે. કોંગ્રેસની યુપીએ સરકારે વધુમાં વધુ ૧૮ ટકા રાખવાનું વિચાર્યું હતું. ત્યારે આ ભાજપ સરકારે વિરોધ કર્યો હતો. છતાં પણ આદત મુજબ ભાજપે પોતાનો હઠાગ્રહ ચાલુ રાખ્યો છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલમાં પોતાની મનસૂફી પ્રમાણે જીએસટી લાગુ કર્યો નથી. મતલબ કે જીએસટીને પોતાના લાભ ખાતર જ શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને પ્રજા પર કોરડો વીંઝયો છે.