અમદાવાદ,તા.૨૮
નવરંગપુરાની સુહાસનગર સોસાયટીમાં રહેતા પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન નરેશ રાવલના ઘરમાં ચોરી કરતો ઘરઘાટી રંગે હાથ ઝડપાયો છે. નવરંગપુરા નૂતન ફેલોશિપ સ્કૂલ પાસે આવેલી સુહાસનગર સોસાયટી પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન નરેશ રાવલ પોતાના પરિવાર સાથે રહે છે.ઘરમાં અનિલ રોત (ઉ.વ.૧૯, મૂળ. રહે. ડુંગરપુર, રાજસ્થાન) અને લોકેશ કિર (ઉ.વ. ૧૯, રહે. મૂળ બાંસવાડા, રાજસ્થાન) ઘરઘાટી તરીકે કામકાજ કરે છે. ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ નરેશભાઈ પત્ની જવનિકાબહેન બહારથી ઘરે આવ્યાં હતાં. દરમ્યાનમાં ઘરઘાટી લોકેશને તેઓએ તેમના બેડરૂમમાંથી બહાર નીકળતો જોયો હતો. બેડરૂમમાં તિજોરીમાં જોતાં રોકડ રૂપિયા ૫૫૦૦ ગાયબ હતા.જવનિકાબહેને તેમના ઓળખીતા સમીરભાઈને બોલાવી લોકેશની તપાસ કરતાં પેન્ટમાંથી રૂ.૫૫૦૦ મળી આવ્યા હતા. પોલીસને જાણ કરતાં નવરંગપુરા પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જવનિકાબહેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ઘરઘાટી લોકેશની ધરપકડ કરી હતી.