Editorial Articles

જળવાયુ પરિવર્તન એ કોઈ ‘મજાક’ નથી

– દિનેશ શુકલ

સંયુક્ત રાષ્ટ્રો (યુનાઈટેડ નેશન્સ)ની એક મહત્ત્વની સંસ્થા ‘મિટેરોલોજીક્લ ઓર્ગેનાઈઝેશન’ વૈશ્વિક સ્તરે હવામાન ક્ષેત્રે જે પરિવર્તન થાય છે, તેનો સતત અભ્યાસ કરે છે અને તેની નોંધ રાખે છે. તેણે જણાવ્યું છે કે ર૦૧પના વર્ષમાં વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો થશે, એ અનુસાર ર૦૧પનું વર્ષ અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ‘ગરમ’ વર્ષ તરીકે નોંધાયું હતું. તેણે તાજેતરમાં એવી આગાહી કરી છે કે ર૦૧૬નું વર્ષ પણ એટલું જ ગરમ કદાચ તેનાથી થોડું વધારે ગરમ વર્ષ તરીકે નોંધાશે. ડોપાલ્ડ ટ્રમ્પની ચૂંટણી દરમિયાન મોરોક્કોના મારકેશ નગરમાં જળવાયુ પરિવર્તન સંબંધી જે વાટાઘાટો શરૂ થઈ છે તે તરફ લોકોનું ઝાઝુ ધ્યાન ગયું નથી.

અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા, હજુ તેમની શપથવિધિ થઈ નથી ત્યાં તો તેમણે પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના જુદા જુદા રાજ્યોના મોટા શહેરોમાં તેમની વિરુદ્ધ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ‘ટ્રમ્પ અમારા પ્રમુખ નથી.’ ‘અમે તેમને ધિક્કારીએ છીએ’ એવા સતત સૂત્રોચ્ચાર કરે છે. આ જ સમયે ટ્રમ્પની ટીમના એક સભ્યે જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જળવાયુ પરિવર્તનને એક મોટી ‘મજાક’ (મશ્કરી) સમજે છે અને ર૦૧પમાં થયેલ જળવાયુ પરિવર્તન સંબંધી ‘પેરિસ સમજૂતી’થી કેવી રીતે બહાર નીકળી જવું, તેની ગડમથલમાં છે. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ ‘ફોસાઈલ ફ્યુઅલ’ પર આધારિત વિશ્વ અર્થ કારણને પુનઃ પ્રાપ્ત ઊર્જા સ્ત્ર્રોતો તરફ કેવી રીતે લઈ જવું તેનો મુખ્ય ઉદ્દેશ છે.

હવામાનમાં થતા ફેરફારોનો અભ્યાસ કરનાર આ સંસ્થાએ જણાવ્યું છે કે ૧૯મી સદીના અંત ભાગમાં જ્યારથી તેણે ઉષ્ણતામાનનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું ત્યારથી આ વર્ષ સૌથી વધુ વર્ષ પુરવાર થશે, આ આખી સદી દરમિયાન, ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ ત્યાર પછી સરેરાશ ૧.ર ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી પડી છે. ‘આજ સદીમાં કુલ ૧૭ જેટલા સૌથી ગરમ વર્ષો નોંધાયા છે. આ વર્ષે પણ એટલી જ ગરમી પડશે, જે એક નવો રેકોર્ડ સ્થાપશે.’ આ સંસ્થાના સેક્રેટરી જનરલ પેટ્ટારી તાલાશે મોરોક્કો ખાતે મળી રહેલી બેઠકની શરૂઆતમાં જણાવ્યું હતું.

આ બેઠકમાં લગભગ બસો દેશોના પ્રતિનિધિઓ ભેગા થયા છે અને તેઓ જળવાયુ પરિવર્તનમાં થતા ફેરફારોની ઝડપ કેવી રીતે ઓછી કરવી, તેની ચર્ચા કરી રહ્યા છે. ‘જળવાયુ પરિવર્તનને આપણે રોકી શકતા નથી, એટલે તેની ઝડપ કેવી રીતે ઘટાડવી તેની ચર્ચા કરવી એ જ એક માત્ર વિકલ્પ છે.’

વૈશ્વિક ઉષ્ણતામાનમાં સતત થઈ રહેલ વધારાને કારણે દક્ષિણ ધ્રુવ નજીક આવેલ ગ્રીનલેન્ડ નજીક આવેલ બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. પરિણામે ઓસ્ટ્રેલિયા ‘ગ્રેટ બેરિયર ટીફ’ નુકસાન થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક તાપમાનમાં થતા વધારાને કારણે ર૦૧૬ વર્ષ અત્યાર સુધી નોંધાયેલ વર્ષોમાં સૌથી વધુ ગરમ પુરવાર થશે.

પેરિસ સમજૂતીને લગભગ બસો જેટલા દેશોએ મંજૂરી આપી છે. તાજેતરમાં ભારતે પણ તેને મંજૂરી આપી છે. ખુદ અમેરિકાએ પણ તેને મંજૂરી આપી છે. પણ અમેરિકાના વરાયેલ પ્રમુખ, જેમણે હજુ હોદ્દો ધારણ કર્યો નથી, તેઓ અત્યારથી તેનો વિરોધ કરે છે અને તેમાંથી કેવી રીતે બહાર નીકળી જવું, તેની ગડમથલમાં છે.

ખરેખર તો ઔધોગિક ક્રાંતિ વખતે જે ઉષ્ણતામાન હતું, તેના કરતાં બે ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ ઓછું હોવું જોઈએ. કમસે કમ ૧.પ ડિગ્રી સેલ્સિયસ હોય તો વધુ સારું.

બેઠક શરૂ થઈ તે પહેલાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે કાર્બત ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં સતત ત્રણ વર્ષ દરમિયાન વધારો થતો રહ્યો છે. જો કે અમેરિકા તરફથી થતા ઉત્સર્જનમાં ર૦૧૬માં ૧.૭ ટકા ઘટાડો થશે, કારણ કે કોલસાના ઉપયોગમાં ઘટાડો થયો છે.

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ ઓબામાએ જણાવ્યું છે કે જળવાયુ પરિવર્તન એ અમેરિકાની અત્યંત મહત્ત્વની પોલિસી છે અને પેરિસ સમજૂતીને આકાર આપવામાં અમેરિકાની મુખ્ય ભૂમિકા રહી છે.

જળવાયુ પરિવર્તનને કારણે ક્યારેક અતિશય ગરમી તો ક્યારેક અતિશય ઠંડી એવા સમયગાળા અવાર- નવાર આવે છે. એકાદ જનરેશનના (આશરે ર૦-રપ વર્ષ) સમયગાળા દરમિયાન ગરમીના મોજા અને ભારે વિનાશ પૂર એ હવે લગભગ નિયમિત ઘટનાઓ બની ગઈ છે. વધતી ગરમીને કારણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર લાખો વર્ષોથી જામેલા બરફના થર ઓગળવા લાગે છે. હિમશીલાઓ ગરમીને કારણે દરિયામાં પડે છે. આ બધાને કારણે દરિયાઈ સપાટી ઊંચી આવે છે પરિણામે દરિયાકાંઠે આવેલા ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ખાસ કરીને ભરતીના સમયમાં કેટલાક ટાપુ દેશો તો દરિયામાં ગરકાવ થઈ જશે અને ત્યાં રહેતા લોકો, તેમનું પશુધન ક્યાં જશે એ મોટો પ્રશ્ન છે.

અવાર-નવાર મોટા વાવાઝોડા આવે છે, ક્યારેક સુનામી આવે છે તેને કારણે મોટા પ્રમાણમાં વિનાશ થાય છે. ર૦૧૬માં સૌથી નુકસાન કરનાર ઘટના જો કોઈ બની હોય તો તે છે ‘હરિકેન મેથ્યુ’, તેને કારણે હૈતી ટાપુ પર રહેતા અનેક માણસોના મરણ થયા, ચીનની એક મોટી નદી યાંગ્ઝેના કિનારે, ભરઉનાળે ભારે મોટા વિનાશ પૂર આવ્યા, તેમાં સેંકડો માણસો માર્યા ગયા ૧૯૯૯માં જે પૂર આવ્યું હતું તેમાં તો સેંકડો માણસોના મરણ થયેલા અને ૧૪ બિલિયન ડોલરનું નુકસાન થયેલું.

દક્ષિણ આફ્રિકાથી થાઈલેન્ડ સુધીના દેશોમાં ટેમ્પરેચરમાં ફેરફારોની રોજરોજ નોંધ લેવામાં આવે છે. કેનેડામાં આ મે મહિનામાં ફોર્ટ મેક કરી (અલ્બર્ટા)માં જંગલોમાં ભયંકર આગ લાગી, જેનો ધુમાડો લાંબા અંતર સુધી ફેલાયો.

સંયુક્ત રાષ્ટ્રોર્ની રેફ્યુજીઓ માટેની સંસ્થાના જણાવ્યા અનુસાર હવામાન, પાણી, જળવાયુ પરિવર્તન, ધરતીકંપ જેવી ઘટનાઓને કારણે ર૦૧પમાં આશરે સવા કરોડ લોકો વિસ્થાપિત થયા છે. વિશ્વમાં ચાલતા આંતરવિગ્રહો, લડાઈઓ-નાના-મોટા યુદ્ધો અને જાતજાતની હિંસામાં જેટલા માણસો માર્યા જાય છે તેના કરતા બે ગણી સંખ્યામાં લોકો વિસ્થાપિત થાય છે.

આ જળવાયુ પરિવર્તન એ કુદરતી નથી, પણ તે માનવસર્જિત છે. ગ્રીન હાઉસ ગેસો (કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, મિથેલ)ને કારણે જળવાયુ પરિવર્તનમાં ફેરફારો થાય છે અને તેને કારણો કુદરતી આપત્તિઓ આવે છે. આ બધી આપત્તિઓ આખરે તો માનવસર્જિત છે. એમાં પ્રકૃતિને દોષ દેવો ન જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પ હવે તો સમજશોને !