(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
ઉપરવાસમાં પડી રહેલા અતિભારે વરસાદને લીધે ધરોઈ ડેમ છલકાતા નદીમાંથી ૬૦૮૦૩ ક્યુસેક પાણીની આવક સામે ૪ર૪૭૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પરિણામે સાબરમતી નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર પણ પાણી ફરી વળતા લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને બપોર બાદ વાહનવ્યવહાર પર પણ પ્રતિબંધ મૂકી રિવરફ્રન્ટ પર પોલીસ પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. ઈડરથી પ્રાપ્ત માહિતી મુજબ હાલ ધરોઈ ડેમની સપાટી ૬૧૭.૧૭ની થવા પામી છે. ધરોઈ ડેમના ગેટ નં.૧૧ ખૂલ્યા પછી બંધ થવાના રોપ (તાર) તૂટી જતાં એમાં ખામી સર્જાઈ હતી. જે અનુસંધાને ડેમ કર્મચારી બી.એસ. પટેલ સાથે ગુજરાત ટુડેએ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગેટ નં.૧૧ રોપ (તાર)લોક થઈ જતાં જે ખૂલ્યા પછી બંધ થવા પાછું પડતું ન હતું. જે કોમ્પ્યુટરમાં બેક થઈ શક્તું ન હતું. હાલ રિપેરીંગ કામગીરી ખાતા મારફત ચાલુ છે અને જરૂરત પડતાં ગેટ નં. ૭,૮ બંધ કરી ત્રણ દિવસ સુધી લેવલ જાળવી રાખવામાં આવશે. હાલ ધરોઈ ડેમના નીચાણાવાળા વિસ્તાર જવાનપુરા ફતેપુરા-વાવાડી, ખોડમ, અડોવ, માલાપુરા, વલાસણ, ગઢડા, રણછોડપુરા, મહોર, કેસીન્યા-રામપુર ફુદેડી ચાંડેય ગામો હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે. દરમિયાન ધરોઈ ડેમમાંથી પાણી છોડવાના પગલે જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકાસિંઘે જિલ્લાના સમગ્ર વહીવટીતંત્રને સતર્ક બનાવી એલર્ટ રહેવા સૂચના આપી છે. જિલ્લા કલેક્ટરે વાસણા બેરેજ ખાતે મુલાકાત લઈ ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીની માહિતી મેળવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં તથા નદીના પટ વિસ્તારોમાં વસતા નાગરિકો-પરિવારોને સલામત સ્થળે ખસેડવા તંત્રવાહકોને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે સંભવિત પાણીથી અસરગ્રસ્ત એવા ૪૦ ગામોના પ૬૬૩ લોકોનું સલામત રીતે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પાણીથી અસરગ્રસ્ત એવા દસક્રોઈ તાલુકાના ર ગામ, વટવા-૩, સાણંદ-ર, બાવળા-૪, માંડલ-૧, વેજલપુર-ર, ધંધુકા-પ, ધોળકા-રર ગામોમાં મહેસૂલી સ્ટાફને સ્થળ પર સતત એલર્ટ રાખવામાં આવ્યો છે.

ચંદ્રભાગા પુલ નીચે વસતા લોકો
જવા તૈયાર ન થતાં મુશ્કેલી

સાબરમતી નદીમાં છોડાઈ રહેલા પાણીને લીધે નદીની સપાટી ધીમે-ધીમે વધતી જાય છે. સાબરમતી આશ્રમ નજીક ચંદ્રભાગા પુલ નજીક આવેલી પરિક્ષિતલાલનગર વસાહતોમાં પાણી ફરી વળતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી હોવા છતાં તેઓ તેમની ઘરવખરી છોડવા તૈયાર નથી આથી તંત્ર મુશ્કેલીમાં મુકાયું છે. આ લોકોને પોલીસની મદદથી સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિવરફ્રન્ટમાં પાણીની સાથે સાપ
જોવા મળતાં લોકોમાં ગભરાટ

ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સાબરમતી નદીમાં પૂર આવતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે. પાણીની સાથે સાપ પણ જોવા મળતા મોટી સંખ્યામાં લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા. તેઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે સાબરમતી નદીમાં વધતી જતી પાણીની સપાટીને ધ્યાને લઈ રિવરફ્રન્ટ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પરિસ્થિતિનો તાગ મેળવવા મેયર ગૌતમ શાહ પહોંચી ગયા હતા.