(એજન્સી) તા.૩૦
કુવૈતના સાયન્સ ક્લબ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સે જાહેરાત કરી હતી કે આગામી ૧ સપ્ટેમ્બર ર૦૧૭ના રોજ ઇદ-ઉલ અઝહાની ઉજવણી કરાશે. પરંતુ શું તમે ઇદ-ઉલ અઝહાનું મહત્વ જાણો છો ?
ઇદ-ઉલ-અઝહા શું છે ? : ઇસ્લામ ધર્મમાં બે તહેવારો સૌથી પવિત્ર મનાય છે. એક ઇદ-ઉલ-ફિત્ર જે રમઝાન બાદ આવે છે અને બીજું ઇદ-ઉલ-અઝહા જે તેના બે મહિના બાદ ૧૦ ઝિલહજના રોજ ઉજવાય છે. ઇદ-ઉલ-અઝહા એ કુરબાનીનો તહેવાર કહેવાય છે. જે પયગંબર ઇબ્રાહીમ(અ.સ.)ની યાદગીરી રૂપે મનાય છે જે અલ્લાહ તઆલાની રાહમાં પોતાના દીકરાને કુરબાન કરવા ગયા હતા. વિશ્વના ૧.૬ મિલિયન મુસ્લિમો આ તહેવારની ઉજવણી કરશે.
ક્યારે ઉજવણી કરાય છે ? : જ્યારે ઇદ-ઉલ-અઝહાનો ચાંદ દેખાઇ જાય છે ત્યારે તેની ઉજવણી કરાય છે. જોકે જુદા જુદા દેશોમાં ચાંદને કારણે ઉજવણીના સમયમાં ફેરફાર જોવા મળે છે. ર૯માં ચાંદથી ચાંદ જોવાની શરૂઆત થઇ જાય છે. જો ઝિલકદનો ર૯મો ચાંદ હોય અને ચાંદ દેખાઇ જાય તો બીજા દિવસે ઝિલહજનો ચાંદ જાહેર કરી દેવાય છે. તેના ૧૦મા ચાંદે ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરાય છે.
આ તહેવારને કેવી રીતે જોવાય છે ? : ઇદ-ઉલ-અઝહા મુસ્લિમો દ્વારા ઉજવાય છે અને પયગંબર ઇબ્રાહીમ(અ.સ) દ્વારા તેમના દીકરાની અલ્લાહના હુકમ મુજબ જે રીતે કુરબાની કરવાની ઘટના બની હતી તે મુજબ જ મુસ્લિમો અલ્લાહના ફરમાનને અદા કરે છે. તમને જણાવી દઈએ કે જ્યારે પયગમ્બર ઇબ્રાહીમ(અ.સ) જ્યારે તેમના દીકરાની કુરબાની કરવા ગયા હતા ત્યારે જીબ્રઇલ (અ.સ.) દરમિયાનગીરી કરી હતી અને દુમ્બાની કુરબાની કરાઇ હતી. આ જગજાહેર કિસ્સો છે. મુસ્લિમો આ દિવસે ત્રણ ભાગમાં કુરબાની કરે છે. જેમાંથી પરિવારના સભ્યો એક તૃતિયાંશ ભાગ રાખે છે અને બાકીમાં એક સંબંધી, એક મિત્રો અને ત્યારબાદ બાકીનો હિસ્સો ગરીબોમાં તકસીમ કરી દેવામાં આવે છે. લગભગ ૧૩મા ચાંદ સુધી કુરબાની કરવામાં આવે છે.
ઇદ-ઉલ-અઝહાની ઉજવણી હાજીઓ માટે મહત્વનો તહેવાર બની રહે છે. તેમને મક્કામાં કુરબાની કરવાની તક મળે છે અને ૯મા ચાંદથી હજની શરૂઆત કરી દે છે.
કેવી રીતે ઉજવણી કરાય છે ? : તમામ વિશ્વમાં લગભગ એકસમાન રીતે જ આ તહેવાર ઉજવાય છે. દિવસની શરૂઆત ઇદની નમાઝથી થાય છે. જે ફજરની નમાઝ બાદ પઢવામાં આવે છે. તમામ પુરુષ અને મહિલાઓ માટે ઇદની નમાઝ જરૂરી છે. આ નમાઝનું આયોજન મસ્જિદો અને ઇદગાહમાં કરાય છે. એકબીજાને પરિવારના લોકો, મિત્રો શુભેચ્છા પાઠવે છે. ત્રણ દિવસો સુધી ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરાય છે. જે લોકો કુરબાની કરે છે તેવા લોકો નવા કપડાં પહેરે છે, જાત જાતની વાનગીઓ રાંધે છે. એશિયામાં મોટાભાગના મોટા લોકો નાના બાળકોને ઇદી આપે છે. તમામ મુસ્લિમો એકબીજા પરિવારના મિત્રોના ઘરે જઇને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.