(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
ખેડૂતોના અચ્છે દિન આવશેના વાયદાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ મોદી સરકારે અચાનક ખેડૂતો માટે ટેકાના ભાવની આંકડાની માયાજાળ સાથે કરેલી જાહેરાત ચૂંટણીલક્ષી અને ખેડૂતો સાથે છેતરપિંડી સમાન છે. એમ કોંગ્રેસે જણાવ્યું છે.
આજરોજ પત્રકારો સાથે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં મોટી મોટી વાતો કરીને ખેડૂતોને ન્યાય મળશે, ટેકાના ભાવ પૂરતા મળશે અને ખેડૂતો અચ્છે દિન આવશે તેવી જુમલા વાણી કરનાર કેન્દ્રની મોદી સરકારે ચાર ચાર વર્ષ સુધી ખેડૂતોને સતત અન્યાય કર્યો અને અનેક ખેડૂત વિરોધી નિર્ણયો કર્યા. ખેડૂતોને ખેતપેદાશોના ટેકાના ભાવ મળે, ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા માટે દેવા માફી માટે કોંગ્રેસ પક્ષે માગ કરી પણ કેન્દ્રની મોદી સરકારે કરોડો રૂપિયાની દેવામાફી તેમના સાથી ઉદ્યોગપતિઓની કરી પણ ખેડૂતોને ન્યાય ન આપ્યો. આઝાદી પછી ૭૦ વર્ષમાં પહેલી સરકાર એવી છે કે, જેને કૃષિના ઉપકરણો ઉપર ૧ર ટકા, ખાદ્યાન્ન પર પ ટકા અને કીટનાશક દવાઓ પર ૧૮ ટકા જીએસટી લાગુ કરીને દેશના ખેડૂતોને વધુ આર્થિક પાયમાલીમાં ધકેલ્યા છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના માત્રને માત્ર ખાનગી વીમા કંપનીઓના લાભાર્થે છે. ખેડૂતો પાસેથી ર૦,૦૦૦ કરોડનું પ્રિમિયમ વસૂલ કરનાર ખાનગી વીમા કંપનીઓએ ખેડૂતોને માત્ર પ,૦૦૦ કરોડ ચૂકવીને વીમા કંપનીઓએ ૧પ,૦૦૦ કરોડની જંગી રકમ પોતાના ખિસ્સામાં સેરવી લીધી છે. કેન્દ્રની મોદી સરકારના ચાર વર્ષમાં કૃષિ વૃદ્ધિદરમાં સતત ઘટાડો એટલે કે ૧.૯ ટકા કૃષિદર રહ્યો છે. કોંગ્રેસના શાસનમાં કૃષિ વૃદ્ધિદર ૪.ર ટકા હતો. ખેડૂતોની આત્મહત્યામાં સતત વધારો થયો છે.