(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૦
કોંગ્રેસના કુંવરજી બાવળિયાએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસને નુકસાન કર્યું તેના કરતા ભાજપના નારાજ લોકોને સરકાર વિરૂદ્ધ સંગઠિત કરવામાં બહું મોટું યોગદાન આપ્યું હોય તેમ જણાય છે. આથી જ જસદણમાં હાર ભાળી ગયેલી ભાજપ સરકાર જસદણની પેટાચૂંટણી મોડી કરવાના વેંતમાં છે. આમ તો ૩ જાન્યુઆરી ર૦૧૯ સુધી જસદણની પેટાચૂંટણી પૂર્ણ કરવી પડે પરંતુ ભાજપને હારનો ડર સતાવતો હોવાથી જસદણની ચૂંટણી વહેલી કરવા માગતો નથી એમ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસનું ઘર ભૂલેલા લોકો પુનઃ કોંગ્રેસમાં ઘરવાપસી કરશે ઉપરાંત ભાજપના પણ કેટલાક આગેવાનો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો દાવો કરી તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભાજપના મોટાગજાના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે તેવો ઈશારો કર્યો હતો, કુંવરજી બાવળિયાના ભાજપમાં જવા અંગે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, બાવળિયાને એક જ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસમાંથી રાજીનામું અપાવવું. એ જ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપનો ખેસ પહેરાવવો, એની એ જ પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ ખાતાની ભેટ ધરવી એ ગુજરાતમાં ભાજપનું ખોખલાપણું દર્શાવે છે. આજસુધી ભાજપમાં વિવિધ સ્તરે સરકારી નીતિ-રીતિઓ, કાર્યક્રમો, પાયાના કાર્યકરોની અવગણનાથી કેટલાય લોકો નારાજ હતા પરંતુ તેમની નારાજગીને કેન્દ્રિત કરવાનું અને સંગઠિત કરવાનું કામ કુંવરજી બાવળિયાને ભાજપમાં લઈ કેબિનેટ મંત્રી બનાવ્યા એ અવસરે કર્યું છે. હવે જસદણની પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલો ભાજપ જસદણ વિધાનસભાની પેટાચૂંટણી વહેલી કરતા ડરે છે પરંતુ મને વિશ્વાસ છે કે જસદણના મતદારોનો કુંવરજી બાવળિયાએ દ્રોહ કર્યો છે. તેનાથી તેઓ મોટા માર્જિનથી ચૂંટણી હારશે. ભાજપ કુંવરજી બાવળિયાની હાર અને ભાજપની નિષ્ફળતાઓને છૂપાવવા માટે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને દેશની લોકસભાની ચૂંટણીઓને કેલેન્ડર વર્ષ ર૦૧૮માં વહેલીતકે પૂર્ણ કરી ભાજપની નુકસાનીને ઓછી કરવાનો પ્રયાસ કરી શકે એવું મારું માનવું છે.
ગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનોનું પ્રતિનિધિત્વ કરતા કોઈ વ્યક્તિ, વર્ગ કે સમૂહે આમરણાંત ઉપવાસ પર બેસવું પડે તે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરે છે. આ સંવેદનહીન સરકાર લોકોની સમસ્યાઓથી મોઢું ફેરવી માત્ર સત્તાની ગલિયારીઓમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી શાસન ચલાવી રહી છે. સામાન્ય માણસની પીડાઓ વધી છે. સમસ્યાઓ વધી છે, પ્રશ્નો વધ્યા છે. દેશના સંવિધાન ઉપર જ્યારે સવાલો ઊભા થાય, દેશના સંવિધાનને તોડવાના સત્તામાં બેઠેલા લોકો દ્વારા પ્રયાસ થાય ત્યારે સંવિધાનથી મળેલા અધિકારોનું રક્ષણ કરવા કોઈપણ વ્યક્તિ, વર્ગ કે સમૂહ એ અધિકારનું આંદોલન ઊભું કરશે તો કોંગ્રેસ પક્ષ જનસામાન્યના અધિકારના આંદોલનના સમર્થનમાં હશે તેમ અંતમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.