(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
જમાત-એ-ઇસ્લામી હિંન્દના અધ્યક્ષ મૌલાના સૈયદ જલાલુદ્દી ઉમરી સાહેબે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સહિત જુદા જુદા મુખ્યમંત્રીઓ તેમજ ભારતના મોટા મોટા રાજકીય પક્ષોના વડાને પત્ર લખી ઇદ-ઉલ-અઝહાને શાંતિપ્રિય રીતે ઉજવવામાં અને ઘટનામુક્ત ઉજવણી બનાવવામાં સહયોગ આપવાની અપીલ કરી છે. તમને જણાવી દઇએ કે જમાત-એ-ઇસ્લામી સાથે ઘણા બધા મૌલવીઓ અને ઇસ્લામિક ઉલેમાઓ સંકળાયેલા છે અને તેમની સાથે મળીને મુસ્લિમ સંગઠનોએ એક જોઇન્ટ એડવાઇઝરી બહાર પાડી છે જેમાં તમામ મુસ્લિમોને ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કેવી રીતે કરવી તે અંગે સૂચનો અપાયા છે. અમીર-એ-જમાત દ્વારા ગૃહમંત્રીને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં નીચે મુજબના કેટલાક અંશો અમે રજૂ કરી રહ્યાં છીએ.
શુભેચ્છા
અમુક દિવસ બાદ ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવશે. આ મુસ્લિમો માટે પવિત્ર અને મહત્વનો તહેવાર છે. લગભગ ત્રણ દિવસ સુધી ઇદની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે લગભગ ૧,ર,૩ તારીખે ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવશે. એવા સમયે અમે તમારું કેટલાક મહત્વના મુદ્દાઓ પર ધ્યાન દોરવા માગીએ છીએ.
૧. તાજેતરના વાતાવરણમાં દેશભરમાં ઘણા વિસ્તારોમાં બજારોમાં કુરબાની માટે વેચવા માટે લઇ જવાતા પશુઓ સામે ઘણા લોકો અવરોધ બને છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા સારા અધિકારીઓનો ઉપયોગ કરીને પશુઓને સરળ રીતે અવરોધ વિના બજાર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો. પોલીસને પણ આ કામમાં અવરોધ ન બનવા દેશો.
ર. ક્રિમિનલ્સ (કથિત ગૌરક્ષકો) ઘણા મહિનાથી છુટ્ટાદોર બન્યાં છે. ગૌરક્ષાના નામે નિર્દોષો પર હુમલા કરી રહ્યાં છે. પોલીસ તેમની સામે પગલાં ભરતી નથી. એકને પણ સજા ફટકારાઇ નથી. આ જ તેમને પ્રોત્સાહિત કરે છે. તેમનો ભય ઇદના અવસરે પણ યથાવત છે. આવા લોકોને પકડી પાડો. આવા અજાણ્યા તત્વો વિરુદ્ધ ત્વરીત પગલાં ભરવા અમારી અપીલ છે. તેમને કાયદો હાથમાં ન લેવા દેશો.
૩. ઘણાં સ્થળોએ મુસ્લિમોને કુરબાની કરતા અટકાવાય છે. તેમાં પોલીસ અથવા કાયદા બહારના લોકો ભૂમિકા ભજવે છે અને તેમને પોલીસ જ ટેકો આપી જાય છે. કુરબાની કરવી એ અમારો ધર્મ છે. અમારી વિનંતી છે કે મુસ્લિમોને ન અટકાવશો.
૪. મુસ્લિમો જાણે છે કે તેમણે શાંતિ રાખવાની છે, કાયદો વ્યવસ્થા જાળવવાની છે પરંતુ કેટલાક અજાણ્યા તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. અમારી વિનંતી છે આવા લોકોને અટકાવશો. કોઇપણ વ્યક્તિ કાયદો હાથ ન લે તેનું ધ્યાન રાખશો.
સહયોગ કરવા બદલ અમે તમારા આભારી છીએ. શાંતિ, એકતા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં અમે તમને હંમેશા સહયોગ આપવા તત્પર છીએ.
(મૌલાના સૈયદ જલાલુદ્દી ઉમરી)
અમીર (નેશનલ પ્રેસિડેન્ટ), જમાત-એ-ઇસ્લામી હિંદ