(એજન્સી) બેંગલુરૂ, તા.૧૩
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) તરફથી ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા છે અને ચંદ્રયાન-૨ મિશનમાં વિક્રમ લેન્ડરના ચંદ્ર પર સફળરીતે લેન્ડીંગમાં સાંપડેલી નિષ્ફળતા બદલ પીએમ મોદીને જવાબદાર ઠરાવ્યા છે. કુમારસ્વામીએ કહ્યું કે પીએમ મોદી ૭મી સપ્ટેમ્બરની રાત્રે ઇસરો ખાતે ગયા હતા અને પોતાની સાથે ઇસરો માટે દુર્ભાગ્ય કે નિષ્ફળતા લાવ્યા હતા. કુમારસ્વામીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે હું નથી જાણતો પરંતુ સંભવતઃ ત્યાં તેમના પગલા મૂકવાનો સમય ઇસરો વિજ્ઞાનીઓેે માટે અપશુકન લઈને આવ્યો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ૬ સપ્ટેમ્બરે દેશના લોકોને એવો સંદેશ આપવા માટે બેંગલુરુ પહોંચ્યા કે ચંદ્રયાન-૨ના લોન્ચિંગ પાછળ તેમનો હાથ છે. વિજ્ઞાનીઓેએ ૧૦થી ૧૨ વર્ષ સુધી અથાગ મહેનત કરી.વડાપ્રધાન ત્યાં માત્ર જાહેરાત કરવા માટે આવ્યા હતા, જાણે ચંદ્રયાન-૨નું લોન્ચિંગ તેમના કારણે થયું. જ્યારે આ પરિયોજના ૨૦૦૮-૨૦૦૯ દરમિયાનની યુપીએ સરકાર અને વિજ્ઞાનીઓેએ શરૂ કરી હતી. કુમારસ્વામીએ કહ્યું કે, ચંદ્રયાન-૨ માટે કેબિનેટની મંજૂરી ૨૦૦૮-૦૯માં આપવામાં આવી હતી અને આજ વર્ષે ફંડ ફાળવવામાં આવ્યું હતું. દુનિયાભરથી લોકો ઇસરોના ચંદ્રયાન-૨ મિશનના ભારે વખાણ કરી રહ્યા છે.લોકોની શુભેચ્છાઓની વચ્ચે કર્ણાટક ના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીના નિવેદનના કારણે એક મોટો વિવાદ ઊભો થઇ ગયો છે.