અમદાવાદ, તા.૧૬
છેલ્લા દસથી બાર વર્ષથી રિફંડ માટેનો વિવાદ મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. નિમા સ્પેસિફિક ફેમિલી ટ્રસ્ટને રૂ.૩૧.૬૯ લાખનુ રિફંડ આપવા માટે ગેરવાજાબી વિલંબ કરનાર આવકવેરા અધિકારીને રૂા.૧ લાખ ખર્ચ પેટે તેની અંગત આવકમાંથી ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. આવકવેરા ખાતાની મહેસુલી આવક ઘટી જવાના કારણને આગળ કરીને આ કિસ્સામાં બિનજરૂરી અરજી કરશે નહિ તેવી આશા પણ ચુકાદામાં વ્યકત કરવામાં આવી હતી. ન્યાયિક કે અર્ધન્યાયિક સતા દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા ઓર્ડરનો વાજબી સમય મર્યાદામાં અમલ કરવાની જોગવાઈનો આ કેસમાં ભંગ થયો છે. કમિશનર અપીલના ઓર્ડર સામે ડિપાર્ટમેન્ટ કોર્ટમાં ગયુ હોવા છતાય રિફંડના નાણા ચુકવાયા નહોતા. ન્યાયમૂર્તિ અકીલ કુરેશી અને બી.એન.કારિયાની બેન્ચે એવુ અવલોકન કર્યું હતું કે આવકવેરા અધિકારી રિફંડ ઈશ્યુ કરવામાં શા માટે વિલંબ કર્યો તેના કારણો દર્શાવી શકાયા નથી. એપેલેટ ઓથોરિટીએ રિફંડ આપી દીધાનો ઓર્ડર કરી દીધા પછીય તેણે તેમનુ રિફંડ ક્યાં કારણોસર અટકાવી રાખ્યું હતું તે કળી શકાતું નથી.એપેલેટ ઓથોરિટી ઓર્ડર કરે તે પછી સબંધિત આવકવેરા અધિકારીએ તે ઓર્ડર મુજબ પૈસાની ચુકવણી કરી દેવાનો ઓર્ડર અથવાતેના રિફંડ અંગે કરવામ આવેલો ઓર્ડર સુધારવાની કામગીરી ઝડપથી પૂરી કરવાનુ તેનુ કામ છે. હાઈકોર્ટે આવકવેરા ધારામાં ઉમેરવામાં આવેલી કલમ ૨૪૪એની પેટા કલમ (૧ એ)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ અરજદારને વધારાનુ વ્યાજ ચુકવવા જણાવવામાં આવ્યુ છે. અરજદારને પહેલી હૂન ૨૦૧૬થી અમલી બનેલી નવી કલમ ૨૪૪એ (૧એ) માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પહેલી જૂન ૨૦૧૬ પછીના ગાળા માટે જ વ્યાજની ચુકવણી કરવા જણાવ્યું હતું.