(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરમાં આપઘાતના બનેલા જુદા જુદા ત્રણ બનાવોમાં એક હીરાના કારખાનેદાર અને બે રત્નકલાકારોએ આપઘાત કરી પોતાની જીવન લીલા સમાપ્ત કરી લીધી હતી. ઘટનાઓના પગલે તેમના પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ ખાતે આવેલ અક્ષરધામ સોસાયટીમાં રહેતા ભરત મનુભાઇ સાવલિયા (ઉ.વ.ર૯)નું વરાછા ખાતે આવેલ કપુરવાડીમાં હીરાના કારખાનું છે, દરમિયાન ગઇકાલે રાત્રે તેમણે પોતાના કારખાનામાં છતના હુક સાથે સાડી બાંધી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેમની શોધખોળ કરતા પરિવારજનો કારખાને પહોંચ્યા ત્યારે તેઓ ફાંસો ખાઇ લીધો હોવાનું ખબર પડી હતી. વધુમાં તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આર્થિક મંદીના કારણે તેમણે આ પગલું ભરી લીધું છે. બીજા બનાવમાં પુણાગામ ખાતે આવેલ ગીતાનગરમાં રહેતા મિલન માધુભાઇ ગાંગાણી (ઉ.વ.ર૦)એ ગઇકાલે રાત્રે વરાછા સીતાનગર ચોકડી પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને ત્યારબાદ એક મિત્રને ફોન કરીને આ અંગે જણાવ્યું હતું. જેથી મિત્રએ તેમના પરિવારજનોને જાણ કરતા પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, મિલન હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતો હતો. હાલ તે અપરિણીત હતો અને તેને એક ભાઇ તથા એક બહેન છે. ત્રીજા બનાવમાં સીમાડાગામ ખાતે આવેલ દિવાળીબાગ સોસાયટીમાં રહેતા કિશોરભાઇ પુનાભાઇ પટોડિયા (ઉ.વ.પ૦)એ ગત રાત્રે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આજે સવારે તેમના પરિવારજનોને ખબર પડતા તેઓ તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મરણ જાહેર કર્યા હતા. કિશોરભાઇના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ હીરાના ઘસવાનું કામ કરતા હતા અને તેમના ઉપર દેવુ થઇ જવાના કારણે માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યું છે. છેલ્લા ચારેક મહિનાથી તેમના પત્ની અને પુત્રી તેમનાથી જુદા રહેતા હતા. પોલીસ બનાવ અંગે વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.