અમદાવાદ, તા.૧૩
ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે આજે મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સમગ્ર રાજ્યમાં શક્તિકેન્દ્રના ૩૦ હજારથી વધુ ઈન્ચાર્જો સાથે સીધો સંવાદ કર્યો હતો અને ગુજરાતમાં વિકાસની અવિરત યાત્રામાં જનતા જનાર્દનના આશીર્વાદથી આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપાની સરકાર ત્રણ ચતુર્થાત બહુમતીથી બનવા જઈ રહી છે તેવો આત્મવિશ્વાસ યાદવે વ્યક્ત કર્યો હતો. યાદવે જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકરોએ નમ્રતાપૂર્વક સમગ્ર રાજ્યમાં ઘરે-ઘરે જઈને ગરવા ગુજરાતીઓના ભાજપા પ્રત્યેના પ્રેમ, વિશ્વાસ, બદલ કૃતજ્ઞતા અને આભાર અર્પણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વંશવાદ સામે વિકાસવાદનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો અને ગુજરાતના વિકાસની સચોટ આંકડાકિય માહિતી પત્રિકા સ્વરૂપે ઘર-ઘર સુધી પહોચાડી હતી. યાદવે ભારપૂર્વક કહ્યું હતું કે, કોંગ્રેસ ખોટી આંકડાકિય માહિતી આપીને પ્રજાને ગુમરાહ કરે છે ત્યારે, વિપક્ષ તરીકે કોંગ્રેસ અમારી સચોટ અને સાચી પત્રિકા પર એકપણ આરોપ લગાડી શકી નથી. કોંગ્રેસના સ્ટારપ્રચારક એકમાત્ર સર્વમાન્ય નેતા, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે ગુજરાતના મંદિરોમાં દર્શનાથે ચૂંટણીટાણે જઈ રહ્યા છે. ત્યારે, મનમાં એક પ્રશ્ન પેદા થાય છે, ભગવાનના દર્શન એ સ્વાભાવિક ધર્મ હોવો જોઈએ, નહિ કે ચૂંટણી કર્મ. યાદવે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને પૂછ્યુ હતું કે, દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના આવાસ આસપાસ અનેક મંદિરો છે. ત્યાં એકવાર દર્શન કરવા ગયા છે તે પ્રજાને જણાવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારથી કેન્દ્રમાં ભાજપાની સરકાર આવી છે ત્યારથી કોંગ્રેસને વિકાસ અને સુશાસનની યાદ આવી છે.