જૂનાગઢ, તા.ર૫
કેન્દ્ર સરકાર દ્વારા જેની વારંવાર જાહેરાત કરવામાં આવે છે તે બહુચર્ચિત પાક વિમા બાબતે જે માત્રને માત્ર ખાનગી એજન્સીને ફાયદો કરાવી આપવા માટે જ પાક વીમાનું તુત ઊભું કરવામાં આવ્યું હોય અને ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી રહી હોય તેથી જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના જાગૃત ધારાસભ્ય જવાહર ચાવડાએ વ્યાપક અભિયાન શરૂ કર્યું છે અને આ પાક વીમાના કૌભાંડની પોલ ખોલવા માટે જવાહર ચાવડાએ તંત્ર પાસે ર૧ આરટીઆઈ માંગી છે. જેનો હજુ સુધી કોઈ ઉત્તર મળ્યો નથી. પાક વીમા પ્રશ્ને ખુદ કેનદ્ર સરકારની જ એજન્સીને ભ્રષ્ટાચારનો કોન્ટ્રાકટર અપાયો હોય તેવી કાર્યવાહી થઈ રહી છે જેના વિરોધમાં માણાવદર વિસ્તારના ખેડૂતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચાર રૂપિયા અને વીસ પૈસા (રૂા.૪.ર૦ પૈસા)નો ચેક બનાવી વડાપ્રધાનને કાર્યાલયને મોકલશે અને પોતાનો નવતર વિરોધ વ્યકત કરશે જવાહર ચાવડાના જણાવ્યા મુજબ અત્યાર સુધી ૧૦૦ ખેડૂતોએ રૂા.૪.ર૦નો ચેક બનાવી વડાપ્રધાનને મોકલી આપેલ છે. જવાહર ચાવડાએ કહ્યું કે આ એક એવો મુદ્દો છે જેમાં કોઈ નીતિ-નિયમ જ નથી. સરકારે નિમેલી ખાનગી વીમા કંપનીએ પાક વીમાના પ્રિમિયમ રૂપે રૂા.ર૦ હજાર ૭૪ર કરોડ ઉઘરાવ્યા છે અને તેની સામે માત્ર રૂા.૪૭રપ કરોડ પાક વીમા રૂપે ચૂકવ્યાં છે. આમ દેખીતી રીતે જ વીમા કંપનીને રૂા.૧પ,૯૬૭ કરોડનો ફાયદો જબ્બર લાભ પહોંચાડવામાં આવ્યો છે. એટલે કે વકરો એટલો નફો વધુ વિટંબણા એ છે કે આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવતાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવી હાસ્યાસ્પદ વાત કરે છે કે પાક વીમા અંગે રિસર્વે કરવામાં આવશે. હવે જ્યારે પાક લેવાય ચૂક્યો છે ખેતરોમાંથી મગફળી સહિતનાં પાકો ખેતરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે ત્યારે સરકાર શેનો રિસર્વે કરશે ? તેનો જવાબ રાજ્ય કે કેન્દ્ર સરકાર જ આપી શકે. આ એક મુર્ખાઈ ભરી બાબત છે. તેમ જવાહર ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.