ઝુલ્મત સે મિલો, સિતારોં સે મિલો
કાંટો પે કદમ રખ કે બહારોં સે મિલો
મિલતી નહીં તકલીફ સે પેહલે રાહત
તૂર્ફાં સે ગલે મિલ કે કિનારોં સે મિલો
મોજોં સાહિલ સે મિલો, મહે કામિલ સેમિલો
સબસે મિલ આઓ તો એક બાર મેરે દિલસે મિલો
-શાઝ તમકનન
સમુદ્રના સુંદર નજારાઓ અને સમુદ્રી કલાને પોતાના કેમેરામાં કેદ કરનાર અને વિવિધ – આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વોરન કીલનની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. આ તસવીરો મૂળ ઓસ્ટ્રેલિયાના એન.એસ.ડબલ્યુના ઈલેવોરાના દક્ષિણ કિનારાના પ્રદેશ છે. જેમાં સમુદ્રમાં ઉઠતી લહેરોના સુંદર દૃશ્યોને તસવીરોના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છેે ત્યારે શાઝ તમકનનની “મોજોં સાહિલ સે મિલો’’ યાદ આવી જાય.
નાના-નાના ઝરણાઓમાંથી બનતી નદીઓનો જ્યારે સંગમ થાય ત્યારે સમુદ્ર બનતો હોય છે. સમુદ્રને જોતાં આપણી સમક્ષ મનુષ્ય જીવનના ત્રણ તબક્કાઓ તરવરી ઊઠે છે. બાળપણ એ ઝરણાં સમાન છે, જેમાં ગમે ત્યારે હસી શકાય, ગમે ત્યારે રડી શકાય. એના અનુભવોની અભિવ્યક્તિ કરવાની રીત ભલે તદ્દન જુદી હોય પરંતુ તેના દરેક હાવભાવમાંથી નરી નિર્દોષતા ઝરતી હોય છે. મનુષ્યની યુવા અવસ્થા નદી જેવી છે, જેને સમાજમાં રહેવા, લોકો સાથે તાલમેલ કરવા, દુનિયાના દુઃખો ભૂલાવીને લોકો માટે મીઠાશને વેરવી પડે છે. ત્રીજી અવસ્થા એ સમુદ્ર જેવી છે. જ્યાં ઘણું-ઘણું જીરવીને, વેઠીને આવેલું ઘડપણ ના કોઈને જીવવું ગમે છે અને ના તો તેનો બોજો કોઈને સહન કરવો ગમે છે. સમુદ્ર કદાચ ઘડપણ જેવો છે એટલે જ લોકોને તે ખારો લાગતો હશે. પણ કોઈ એ નથી સમજતું કે તેણે તેના વિશાળ હૃદયમાં ઝરણાં જેવી નિર્દોષતા, નદી જેવી મીઠાશને સમાજને અનુરૂપ થવા માટે વધતે-ઓછે અંશે ત્યજી દીધી છે અને એટલે જ કદાચ તે, ખારો થઈ ગયો છે.
પ્રથમ તસવીરમાં સમુદ્રમાં આવતા મોજાંનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ મોજાંનો પ્રવાહ જાણે સમુદ્રના શાંત પાણીમાં હાસ્ય વેરી રહ્યો હોય તેવું દૃશ્યમાન થઈ રહ્યું છે.
દ્વિતીય તસવીરમાં મોજાંના વિવિધ તરંગો આકાર લઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઘાટઘાટના પાણી ઉમેરાયેલા હોવા છતાંય સમુદ્રનું પાણી આપણને એક જ સરખું, શ્વેત અને સ્વચ્છ જોવા મળી રહ્યું છે.