National

નવજોતસિંઘ સિદ્ધુએ ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીની મીમીક્રી કરી લોકોનું દિલ જીતી લીધું

(એજન્સી) ઈન્દૌર, તા.ર૪
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન પૂર્વ ભારતીય ક્રિકેટર અને પંજાબના કેપ્ટન અમરિન્દરસિંઘ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોતસિંઘ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મીમીક્રિ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. આ મીમીક્રીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નવજોતસિંઘ સિદ્ધુ શુક્રવારે કોંગ્રેસના ઉમેદવાર જીતુ પટવારી માટે મત માંગવા માટે ઈન્દૌરના રાઉત પહોંચ્યા હતા જ્યાં તેમણે એક ચૂંટણી સભા સંબોધી હતી. સભાને સંબોધિત કરતા સિદ્ધુુએ મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વડાપ્રધાન મોદી પર ધારદાર કટાક્ષ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તમારી આ અદાલતમાં એક વાત તો પાકી છે કે મામા(શિવરાજ) તો ગયો…મામા તો ગયો ત્યાં તેમણે દર્શકોમાં ઉત્સાહ અને પ્રશંસા વધારવા માટે વડાપ્રધાન મોદીને ઠાકુર તરીકે સંબોધિત કર્યા અને જણાવ્યું કે ઠાકુર પણ (વડાપ્રધાન મોદી) …ગયો.. સાથે જ તેમણે શાયરીના અંદાજમાં કહ્યું કે અંધા ગુરૂ બહેરા ચેલા, બંને નરકમાં ઢેલમ ઢેલ.
સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મીમીક્રી કરતા જણાવ્યું કે શું તમે જાણો છો ઠાકુર કોણ છે ? ભાઈ અને વ્યવહાર (ભાઈઓ અને બહેનો) ત્યાં દર્શકોએ સિદ્ધુની ઘણી પ્રશંસા કરી જે સ્પષ્ટ રીતે સમજી ગયા કે તેઓ વડાપ્રધાન મોદીની નકલ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સામાન્ય રીતે પોતાની રેલીઓ અને ભાષણોની શરૂઆત ભાઈઓ અને બહેનોની સાથે કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ર૮ નવેમ્બરે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યારે મત ગણતરી ૧ર ડિસેમ્બરે થશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાછલા ૧પ વર્ષથી મધ્યપ્રદેશમાં સત્તા બહાર છે. આ વખત માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં શિવરાજસિંહની વિરૂદ્ધ એક વાતાવરણ છે. કોંગ્રેસ આ જ વાતાવરણનો લાભ ઉઠાવવા ઈચ્છે છે, રાહુલ ગાંધી આ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણપણે સક્રિય છે.