(એજન્સી) તા.૩૦
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે આક્ષેપ કર્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલાં મતોનું ધ્રુવીકરણ કરવા માટે ભાજપ રાજ્યમાં રમખાણો કરાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. મમતા બેનરજીએ કોલકાતાની એક રેલીમાં કહ્યું હતું કે કેટલાક લોકો રાજકીય ફાયદો મેળવવા માટે રાજ્યમાં રમખાણો કરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. હું મારી જિંદગી કુરબાન કરી દઈશ પરંતુ તેમને લોકોનું વિભાજન કરવા નહીં દઉં. તેઓ ધર્મના નામે જૂઠ ફેલાવી રહ્યા છે. તેઓ રાજકીય લાભ માટે ભગવાન રામના નામનો ઉલ્લેખ કરે છે. પરંતુ તેમના પાંચ વર્ષના શાસનમાં એક મંદિર બાંધી શકતા નથી. તૃણમૂલ અધ્યક્ષે કહ્યું હતું કે જેવી રીતે પરિવારના સભ્યો એક સાથે રહે છે તેવી રીતે આ દેશમાં બધા ધર્મો સાથે રહે છે. આપણા બધાનું લોહી સરખું છે. બ્લડ બેંકમાં દાતાના નામનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. હિન્દુઓનું લોહી મુસ્લિમોની નસોમાં વહે છે. જિંદગી બચાવવા માટે આ જરૂરી છે. આ જ બાબત દેશ માટે પણ લાગુ પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા મમતાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય નેતા એ છે જે બધાને એક્ઝટ રાખે નહીં કે તેમને વિભાજિત કરે. હું લોકોના ખાતામાં રૂા.૧પ લાખ આપવાનું વચન આપતી નથી. હાલમાં બેંકો ભાંગી પડી છે અને ર૦૧૭-૧૮ દરમ્યાન બે કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. તેમણે કહ્યું હતું કે જો સમવાયી મોરચો સત્તામાં આવશે તો નોટબંધી વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવશે અને જી.એસ.ટી.ની પણ સમીક્ષા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મારી સામાજિક કલ્યાણની યોજનાઓથી બધા ધર્મોના લોકોને ફાયદો પહોંચ્યો છે. મેં રાજ્યના ર૦૦ સ્મશાનગૃહોનું નવીનીકરણ કર્યું છે.