(એજન્સી) મેરઠ, તા.રપ
વર્ષ ર૦૧૩ની મુઝફ્ફરનગરની રમખાણોની અસર આસપાસના વિસ્તારો પર પણ પડી છે. તેની નજીક આવેલા ઘણા જિલ્લાઓ તેના સકંજામાં આવ્યા હતા. પરંતુ આ જ નફરતથી આગની વચ્ચે કેટલાક લોકોએ માણસાઈને જીવતી રાખી. મેરઠના રામરાજ વિસ્તારની ગુરૂદ્વારા સમિતિના અધ્યક્ષ સરદાર જસવિંદરસિંહ આવા જ એક વ્યક્તિ છે. વિસ્તારમાં જ્યારે તણાવ ફેલાયો અને મુસલમાનો પર હુમલાઓ થવા લાગ્યા તો તેમણે પોતાના ગુરૂદ્વારાના દરવાજાઓ મુસલમાનો માટે ખુલ્લા મૂકી દીધા. સેંકડો મુસલમાનોએ અહીંયા આશ્રય લીધો. સરદાર જસવિંદરસિંહે એલાન કરી દીધું – ગુરૂદ્વારામાં આવેલ દરેક વ્યક્તિ અમારી શરણમાં છે. કોઈ પણ તેમને હાથ લગાવવાની હિંમત ના કરે, નહીં તો અમે પણ તેમની સામે લડીશું. સરદાર જસવિંદરસિંહે જીવ તો બચાવ્યા જ અને સાથે માણસાઈની હત્યા થતી પણ બચાવી લીધી. ત્યારબાદ ગુરૂદ્વારા સમિતિના પ્રધાન જસવિંદર સિંહને તેમના આ મહાન કાર્ય માટે બિજનૌરમાં સન્માનિત પણ કરવામાં આવ્યા અને મેરઠ જિલ્લા પ્રશાસને પણ તેમનું સન્માન કર્યું
ચાર વર્ષ જૂની વાત યાદ કરતાં સરદાર જસવિંદરસિંહ જણાવે છે કે ૭ સપ્ટેમ્બરના રોજ અહિંયા સાપ્તાહિક બજાર ભરાયું હતું. અમારે ત્યાં મુસલમાનોની વસ્તી ઓછી છે. અચાનક અહીંયા તેજ હિલચાલ થવા લાગી. હું ત્યારે ઉપ-પ્રધાન હતો. ગુરૂદ્વારાની સામે એક ડોક્ટર સંદીપ રસ્તોગીને ત્યાં કેટલાક લોકો ઘા પર મલમપટ્ટી કરાવતા હતા. આમાંથી કેટલાક લોકો રસ્તાઓ પર દંડાઓ લઈને ઊભા રહી ગયા અને તે સમયે એક બસ બિજનૌર તરફ આવી રહી હતી, ત્યારે પહેલો પથ્થર તે બસ પર ફેંકવામાં આવ્યો, ત્યારબાદ મુસાફરોને ઉતારીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી. લોકો ભાગદોડ કરવા લાગ્યા. મુસલમાનોને નામ પૂછીને મારવામાં આવી રહ્યા હતા. કેટલીક મહિલાઓનું અપમાન પણ કરવામાં આવ્યું. તેમને અપશબ્દો કહેવામાં આવ્યા. મારવામાં આવી. રામરાજમાં નિર્દોષ બાળકો-મહિલાઓ, વૃદ્ધો અને નિશસ્ત્ર લોકોને માર મારીને બદલો લેવામાં આવી રહ્યો હતો. લોકો ગભરાયેલા હતા. મહિલાઓ રડી રહી હતી. આ લોકો જીવ બચાવવા માટે ગુરૂદ્વારામાં આવી ગયા અને ગુરૂદ્વારાનો મોટો દરવાજો દરેક માટે ખુલ્લો મૂકી દીધો અને દરેકને અહીંયા સુરક્ષિત રાખ્યા. આજે સરદાર જસવિંદરસિંહ ૬પ વર્ષના થઈ ગયા છે. પરંતુ ચાર વર્ષ પહેલાની આ જૂની વાતો તેમને આજે પણ યાદ છે, જાણે આજની જ વાત હોય. હવે તેઓ તેમનો મોટાભાગનો સમય સામાજિક કાર્ય અથવા તો ગુરૂદ્વારાની દેખરેખમાં પસાર કરે છે. રામરાજ એક શીખ બહુમતી ધરાવતો કસ્બો છે, કે જે મેરઠ અને મુઝફ્ફરનગરની સરહદ પર છે. અહીંયાના સરદાર ગુરુચરણસિંહ પૂર્વીય લંડનના મેયર રહી ચૂક્યા છે. તેઓ જણાવે છે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના સમયે તેઓ મેરઠમાં અભ્યાસ કરતા હતા. જ્યારે શીખોને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા હતા. તે સમયે જીવ બચાવીને હું આઠ દિવસ સુધી છૂપાયેલો રહ્યો. ર૦૧૩માં મને એવું જ લાગ્યું. હું તેવી જ લાગણી અનુભવતો હતો. હું ત્યારે ઉપપ્રધાન હતો. હવે પ્રધાન છું. સ્થાનિક રહેવાસી ગુરપ્રીતસિંહ લાડી જણાવે છે કે આ અમે વખાણ માટે નથી કર્યું, પરંતુ અમને લાગ્યું કે જો આજે અમે તેમની મદદ નહીં કરીએ તો ઉપર જઈને અમે શું મોં બતાવીશું. અમે એલાન કરી દીધું હતું કે તેઓ અમારી શરણમાં છે અને તેમના પર હુમલો અમારા પર થયેલો હુમલો માનવામાં આવશે.