(એજન્સી) લખનૌ, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈફી મસ્જિદની મુલાકાત લીધાના બે દિવસ બાદ વિશ્વ હિન્દુ પરિષદે રવિવારે કહ્યું કે, રાજકીય નેતાઓએ હિન્દુઓના હિતોને સૌથી આગળ રાખવા જોઈએ, કારણ કે આ સમુદાયે મોટાભાગના ભારતીય રાજ્યોની રચના કરી હતી.
દાઉદી-વ્હોરા સમુદાયના સંબોધનમાં મોદીએ શાંતિ અને ન્યાયની જરૂરિયાત પર ભાર મૂકવા માટે પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)ના પૌત્ર ઈમામ હુસૈનને યાદ કર્યા. વીએચપીના આંતરરાષ્ટ્રીય મહાસચિવ મિલિંદ પરાંડેએ અહીં પત્રકારોને જણાવ્યું કે, કોઈ પણ નથી જાણતું કે, મસ્જિદની મુલાકાત કરતી વખતે મોદીના મનમાં શું ચાલી રહ્યું હતું.
મિલિંદ પરાંડેએ કહ્યું કે, “તેઓ (મોદી) મસ્જિદમાં કેમ ગયા, તે પૂછવું પડશે… દરેકે પોતાની આસ્થા મુજબ કામ કરવું જોઈએ…”
તેમણે કહ્યું કે, જે પણ આ દેશમાં રાજકારણમાં રહેવા ઈચ્છે છે, તેણે હિન્દુઓના હિતો વિશે વિચારવું પડશે, પછી ભલે તે રાજકીય દળ હોય કે પછી કોઈ પણ હોય.