આખા શબ્દકોષમાં સૌથી સુંદર કોઈ શબ્દ હોય તો તે છે ‘‘મા’’. ગત સપ્તાહે ‘મધર્સ-ડે’ની ઉજવણી કરવામાં આવી. ઘણા લોકોએ પોતાની માતાને ભેટ તરીકે ચોકલેટ અથવા પુષ્પગુચ્છ આપ્યા હશે. પરંતુ વિચારવાનો પ્રશ્ન એ છે કે, શું વર્ષમાં એક દિવસ પૂરતો માતા પ્રત્યેનો પ્રેમ આ પ્રકારે દર્શાવવો પૂરતો છે ? ચોક્કસપણે આ પ્રશ્નનો જવાબ ના જ છે. એક મા ને પોતાના બાળક પાસેથી કોઈ ભેટની આશા નથી હોતી. તે ઈચ્છે છે તો માત્ર પોતાના બાળક તરફથી મળતો નિર્દોષ પ્રેમ. તે પોતાના બાળક સાથે કેટલીક યાદગાર પળો માણવા ઝંખતી હોય છે પરંતુ આપણે જીવનમાં એટલા તો વ્યસ્ત હોઈએ છીએ કે ‘મધર્સ-ડે’ સિવાયના વર્ષના બાકીના દિવસોમાં આપણે કદાચ આપણી મા ને તે પૂછવાનું પણ ભૂલી જઈએ છીએ કે મા તું કેમ છે. બસ આ જ ઉણપને વ્યકત કરતી પંક્તિ ઉપર રજૂ કરવામાં આવી છે જે પંક્તિઓમાં સમાયેલી ઘણા પરિવારોની કથા છે.

અહીં એક ભારતીય માતાની તસવીર રજૂ કરવામાં આવી છે. જે પોતાનું ગુજરાન ચલાવવા માટે દૈનિક મજૂરી કરે છે. માથા પર છ ઈંટોના ભાર સાથે તેણે પોતાની પીઠ પર પોતાના બાળકને પણ લાદયું છે. જેથી પોતાના કામની સાથે તે પોતાના બાળકની પણ સંભાળ રાખી શકે. તે કહેવું અયોગ્ય નથી કે આ કાર્ય ફક્ત ભારતીય માતા જ કરી શકે. મા બનવું આમેય બહુ અઘરું કામ છે જ્યારે તસવીરમાં દેખાય છે તે રીતે મા બન્યા બાદ સંતાનનો આટલી તકલીફો ઉઠાવીને ઉછેર કરવો એ ખરેખર શબ્દોમાં વર્ણવી ન શકાય એટલું કપરું કાર્ય છે. બાળકને જન્મ આપીને જ માતા એટલો મોટો ઉપકાર કરે છે કે તેનો બદલો વાળવો શક્ય જ નથી. ત્યારે આ રીતે તેનો ઉછેર કર્યા બાદ પણ નઠારા સંતાનો એ જ જીવનદાત્રી માતા પર અપકાર કરે ત્યારે તેનાથી ખરાબ બાબત બીજી કઈ હોઈ

શકે ? પણ નઠારાં સંતાનોને આ વાસ્તવિકતા સમજાય તો ને……???