અમદાવાદ,તા.ર
કોલેજના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નમો ટેબ્લેટ આપવામાં આવે છે ત્યારે અમદાવાદના એક વિદ્યાર્થીએ નમો ટેબલેટ મંગાવ્યો હતો. પરંતુ ટેબ્લેટનું બોકસ ખોલતા જ વિદ્યાર્થી ચોંકી ઉઠયો હતો. કેમ કે બોકસમાંથી ટેબ્લેટના બદલે માત્ર ચાર્જર જ નીકળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ સહજાનંદ કોલેજના ત્રીજા સેમિસ્ટરના એક વિદ્યાર્થીએ નમો ટેબ્લેટ માટે એક વર્ષ અગાઉ ફી ભરી હતી. ત્યારે એક વર્ષ બાદ વિદ્યાર્થીને ટેબ્લેટના બદલે ફકત ચાર્જર જ મળ્યું છે. વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડયાને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું છે કે હાલ તે સહજાનંદ કોલેજમાં સેમિસ્ટર-૩માં અભ્યાસ કરે છે જયારે તે સેમિસ્ટર-૧માં હતો ત્યારે તેણે ઓગસ્ટ ર૦૧૭માં કોલેજ તરફથી રૂા.૧ હજાર ટેબ્લેટ માટે આપ્યા હતા. ત્યાર બાદ તા.ર૯ ઓકટોબર ર૦૧૮ના રોજ કોલેજ દ્વારા તેને ટેબ્લેટનું બોકસ આપવામાં આવ્યું હતું. તે બોકસમાંથી સરકારી જાહેરાતના કાગળો નીકળ્યા હતા તેમજ ટેબ્લેટના બદલે માત્ર ચાર્જર જ નીકળ્યું હતું ત્યારે મને ટેબ્લેટ આપવાની સાથે જવાબદારો સામે પગલાં ભરવાની માંગ છે.