(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
જસદણની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થયા હતા તે અગાઉ કોંગ્રેસ દ્વારા જંગી જાહેરસભા યોજવામાં આવી હતી. તેમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંઘ સિદ્ધુએ તેમના સ્વભાવ મુજબ જોરદાર વાકબાણ કરતા સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. નવજોતસિંઘ સિદ્ધુએ જણાવ્યું હતું કે, બાવળિયાને કાઢીને ફેંકી દેજો ખબર નહીં, ક્યાં ક્યાં વાગશે. તેમણે પીઠ પાછળ છરો ભોંક્યો છે. નવજોતસિંઘ સિદ્ધુની એન્ટ્રી થતા જ લોકોએ ઉભા થઇને તેમનું સ્વાગત કર્યું હતું અને નવજોત સિદ્ધુએ ક્રિકેટમાં સિક્સ મારતા હોય તેવા અંદાજમાં સ્ટેજ પર આવ્યા હતા. નવજોત સિદ્ધુએ ભાજપ વિરૂદ્ધ બેટિંગ કરતા જણાવ્યું હતું કે, બાવળિયાને કાઢીને ફેંકો ખબર નહીં ક્યાં ક્યાં વાગશે, પીઠ પાછળ છરો માર્યો છે, ઠોકો તાળી… અમિત શાહના દિકરા પાસે પૈસા ક્યાંથી આવે છે ? રૂપિયાવાળાની સરકાર છે. દારૂ-પૈસા માટે મત ન દેતા ગુજરાત માટે આપજો. ચોકીદાર જ ચોર છે.
સિદ્ધુએ વધુમાં જણાવ્યું હતું કે, ઠાકુર તો ગયો મામા પણ ગયો સમજાયું ને કોણ ? એમ જણાવી નવજોતસિંઘ સિદ્ધુએ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપની સત્તા ગઈ તેનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, હવે બાવળિયા ભી જાયેગા એવો ઈશારો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ મને મોકલ્યો છે અને સચ્ચાઇની જંગ લડવા આવ્યો છું. રોજગાર અને ગરીબ લોકોની રોટી માટે આવ્યો છું. નહીં રૂપાણી બચે કે નહીં મોદી બચે. ભાજપના લોકો પાસે સાચું બોલાવવું અઘરૂ છે. મોદીને કહી દો મગફળી અને કપાસના ૨૦૦૦ આપો તો હું તમારા નેતાની દીકરીના લગ્ન કરાવી દઇશ. એક ચૂંટણી નકશો બદલી નાંખે, અવસર એટલે મોકો. હવે મોકે પે ચોકા..અવસર એવો છક્કો મારશે કે બાવળિયા બહાર. મોદીને પૂછો કે ખેડૂતોનું ભલું કર્યું છે કે અમીરોનું.રાફેલની વાત પૂછો કે મંદિરની ડેટ પૂછો બધું ગરબડ છે. ખેડૂતને પાંચ લાખ માટે જેલમાં નાખો છો પણ અંબાણી રૂપિયા ન આપે તો પપ્પી ઝપ્પી. ચાર દિવસ પછી ભાજપના ખરાબ દિવસો ચાલુ થશે અને રાહુલ ગાંધી આવશે એમ જણાવ્યું હતું.
પેટાચૂંટણીના અંતિમ કલાકમાં કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ ધુંઆધાર બેટિંગ કરી પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી ઉપરાંત ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને આડે હાથ લીધા હતા. તેમણે પીએમ મોદીની મીમીક્રી કરતા કહ્યું કે તમારા ખાતામાં ૧૫ લાખ આવવાના હતા તેનું શું થયું.