(એજન્સી) તા.૩
પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ગત લગભગ ૨૦ દિવસોથી બધા કામકાજ છોડીને ચૂપચાપ બેસી રહ્યાં છે. તે કોંગ્રેસના કોઇ પણ નેતા સાથે હાલમાં સંપર્કમાં પણ નથી. એવી માહિતી તેમની સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ સાથેની નારાજગી માટે તેમની પાસે વધુ એક કારણ છે. સિદ્ધુની પત્ની નવજોત કૌરને તેમની પસંદગીની ચંદીગઢ સીટથી કોંગ્રેસે ટિકિટ આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ સીટ પરથી કોંગ્રેસે વરિષ્ઠ નેતા પવન બંસલને ઉમેદવાર બનાવ્યા છે. પહેલા ચર્ચા હતી કે નવજોતને અમૃતસરથી ટિકિટ આપવામાં આવી શકે છે જ્યાંથી અમરિંદરસિંહે ર૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભાજપના જેટલીને હરાવ્યા હતા. પણ આ ચર્ચાઓ પર ત્યારે પૂર્ણ વિરામ મૂકાયું જ્યારે મંગળવાર રાત્રે કોંગ્રેસે અમૃતસર લોકસભા સીટ પરથી ગુરજીતસિંહ ઓજલાને ટિકિટ આપી દીધી. ર૦૧૪માં અમૃતસરથી અરુણ જેટલીને ભાજપે ઉમેદવાર બનાવતા નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ છોડી દીધું હતું. સિદ્ધુએ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો. માહિતી અનુસાર મોંગામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રેલીમાં તેમને બોલવા માટે આમંત્રિત ન કરાતા તે નારાજ છે. તેમની સાથે તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું કે તે આ કારણે પણ નારાજ છે કે તે છત્તીસગઢ માટે પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં સામેલ નથી. જોકે દેશભરમાં તે ચૂંટણી પ્રચારમાં માગ બની ગયા છે. ગત કેટલાક મહિનામાં નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના સંબંધોમાં પણ ખટાશ આવી હતી. તેની પાછળ સિદ્ધુનું પાકિસ્તાન અને ત્યાંના વડાપ્રધાન ઈમરાનખાન પર આપેલ નિવેદન કારણ છે.