અમદાવાદ, તા.ર૬
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પવિત્ર હજયાત્રાએ જતા હાજીઓ પાસેથી વિમાનભાડા પેટે ડબલ કરતાં વધુ રકમ વસૂલ કરવામાં આવે છે. આથી ભારતીય હજયાત્રીઓ પાસેથી વસૂલાતી વિમાની ભાડાની રકમ ઘટાડવા તેમજ હજ અરજદારો પાસેથી અરજીદીઠ લેવાતી રૂા.૩૦૦ની રકમ બંધ કરવા શહેર ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને એડવોકેટ શબ્બીર અહમદ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી માગણી કરી છે. આરટીઆઈમાં મળેલ માહિતી મુજબ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અમદાવાદથી જનારા ગુજરાતના દરેક હજયાત્રીઓ પાસેથી મક્કા-મદીના જવા આવવાનું વિમાનભાડું વર્ષ ર૦૧૭માં રૂા.૬ર હજાર અને હજયાત્રીદીઠ સબસિડીની ભારત સરકાર પાસેથી મળેલી રકમ રૂા.૧૬૮૯૭ એડજેસ્ટ કરતાં કુલ ૭૮૮૯૭ વસૂલ કર્યા હતા. જ્યારે મક્કા અને મદીના જવા આવવાની વિમાન ટિકિટ હાલ રૂા.૩૦ હજારમાં મળે છે. આ સબસિડીનો કોઈ લાભ મળતો નથી. આ લાભ માત્ર એર ઈન્ડિયાને જ મળે છે. ચાલુ વર્ષે ભારત સરકારે સબસિડી નાબૂદ કરીને તે રકમ મુસ્લિમ બાળકોના કલ્યાણમાં ખર્ચ કરવાની નીતિ આવકારદાયક છે પરંતુ ચાલુ વર્ષ ર૦૧૮માં ગુજરાતના દરેક હજયાત્રી પાસેથી રૂા.૬૩૧૦૦ અમદાવાદથી જિદ્દાહ અને મદીનાથી અમદાવાદ જવા આવવાનું વિમાનભાડું નક્કી કર્યું છે તે ખૂબ જ મોંઘું છે. ભારતમાં હજયાત્રીઓ પાસેથી વિમાન ભાડાના રૂા.૩૦ હજારથી ૬૦ હજાર વધુ વસૂલવામાં આવે છે. હાલ રૂા.નો યુગ છે. ગ્લોબલ ટેન્ડરની પ્રક્રિયા દ્વારા વધુ એરલાઈન્સો પાસેથી ટેન્ડરો મંગાવીને ઓછા દરે સસ્તી હજયાત્રા થઈ શકે તેવી કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત હજ પઢવા જવા ઈચ્છુક દરેક હજ અરજદારો પાસેથી વ્યક્તિદીઠ રૂા.૩૦૦ નોન રીફંડેબલ પ્રોસેસિંગ ફી હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા વસૂલવામાં આવે છે જે ઉઘાડી લૂંટ છે. હજમાં નંબર ના લાગે ત્યાં સુધી દર વર્ષે આ રકમ ભરવી પડે છે જે બંધ કરાવવા પણ માગણી કરી છે.