અમદાવાદ,તા.રર
અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને ધમકાવી નાણાં પડાવવાના કૌભાંડનો પત્રકારે પર્દાફાશ કર્યો છે. જયારે સ્થાનિક પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે. પરંતુ વિદેશી પત્રકારે અમદાવાદ આવતા ગેરકાયદે કોલ સેન્ટરોની પોલ ખોલી નાખતા પોલીસ દોડતી થઈ છે. બ્રિટીશ ન્યૂઝ સાઈટ ડેઈલી મેઈલની ટીમે અમદાવાદના ૧૮ કોલ સેન્ટરનું સ્ટીંગ ઓપરેશન કરી પોલીસના ગાલ પર તમાચો માર્યો છે.
વિદેશી નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને યુકે-યુએસએના સિનિયર સિટિઝનો સાથે છેતરપિંડી કરવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડ માટે અમદાવાદ મોકળું મેદાન બની રહ્યું છે. અમદાવાદ અને રાજ્યના અન્ય સ્થળોના લવરમૂછિયા યુવકો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસપુત્રો અને રાજકીય નેતાઓ સહિતના મોટા માથા ભેગા મળી સુવ્યવસ્થિત રીતે કોલ સેન્ટર શરૂ કરીને વિદેશી નાગરિકોને લૂંટી રહ્યા છે. અમદાવાદમાં એકાદ નહીં પરંતુ એક ડઝનથી વધુ આવા કોલ સેન્ટર ધમધમી રહ્યા છે. તેમાં કામ કરતા યુવાનો તો આ મોડસ ઓપરેન્ડીથી કરોડો રૂપિયા કમાઈ જ રહ્યા છે પરંતુ સાથે-સાથે પોલીસ બેડામાં પણ આ માટે કરોડો રૂપિયાનું હપ્તાનું નેટવર્ક ગોઠવાયેલું છે જેનો હિસ્સો રાજકીય નેતાઓ સુધી પહોંચતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અત્યારે ઓનલાઈન છેતરપિંડીમાં જે રીતે નાઈજીરિયન ગેંગો બદનામ છે તે રીતે હવે અમદાવાદ ફેક કોલ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થઇ ચૂક્યું છે. અગાઉ મહારાષ્ટ્ર પોલીસ ગુજરાતમાં કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કરી ચૂકી છે. જેમાં આઇપીએસ અધિકારીઓ અને મોટા માથાના નામો પણ ચર્ચામાં હતા. ત્યારે ફરી એકવાર બ્રિટિશ વેબસાઈટ ડેઈલી મેઈલના પત્રકારો અમદાવાદમાં ધમધમતા અને યુકેના નાગરિકોને છેતરતા કોલ સેન્ટરોના સ્ટિંગ કરી ગયા છે અને તેના સુવ્યવસ્થિત કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદમાં બધા કોલ સેન્ટરો બંધ હોવાની ભલે અમદાવાદ સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ ગુલબાંગો પોકારી રહી હોય પરંતુ બ્રિટિશ ન્યૂઝ સાઈટના સ્ટીંગમાં આ બધી પોલ ખુલી ચૂકી છે. આ કોલ સેન્ટરમાં કાર્યરત સ્થાનિક યુવાનો બ્રિટિશ નાગરિકોને કોલ કરી પોતાની રેવન્યુ એન્ડ કસ્ટમ્સના અધિકારી તરીકે ઓળખ આપતા હતા. તેઓ મોટાભાગે એકાકી જીવન વિતાવતા લોકો અને વૃદ્ધોને જ ટાર્ગેટ કરી જેલભેગા કરવાની ધમકી આપીને હજારો પાઉન્ડ પડાવતા હતા. બ્રિટિશ પત્રકારે અમદાવાદમાં ધમધમતા ૧૮ કોલ સેન્ટરના સ્ટીંગ કરીને ગુજરાત પોલીસના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે.
આ કોલ સેન્ટરમાં સરેરાશ પાંચ-સાત યુવાનો કામ કરે છે. માત્ર એક લેપટોપ, હેન્ડસ ફ્રી અને સોફ્ટવેર દ્વારા બ્રિટનનો નંબર દર્શાવતા ફોન પરથી બ્રિટનના નાગરિકને ટેક્સ બાબતે ધમકાવવામાં આવે છે. ફોન કાપશો તો સીધી કાનૂની કાર્યવાહી કરાશે તેમ કહી તેઓને સાણસામાં લેવામાં આવે છે. આખી સ્ક્રિપ્ટ દ્વારા જ તેઓને છેતરવામાં આવે છે. દિવસના ૧૦,૦૦૦ જેટલા બ્રિટિશ નાગરિકોને છેતરવાનો ટાર્ગેટ કરવામાં આવે છે. ટાર્ગેટ એચિવ કરનારને અત્યંત લોભામણા ઈન્સેન્ટિવ્સ પણ આપવામાં આવે છે. ડેઇલી મેઇલના અહેવાલમાં અમદાવાદના આશ્રમ રોડ પર ચાલતા આ કોલ સેન્ટરનો વીડિયો ઉતારાયો છે. કોલ સેન્ટરના ઓફિસ મેનેજર તરીકે ત્રણ યુવકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિટનના એક દંપતી પાસેથી તેમણે ૧૦૦૦૦ પાઉન્ડ પણ પડાવી લીધા છે. કૌભાંડ ચલાવનાર વ્યક્તિ આ એક મોટો ધંધો હોવાનું સ્વીકારી રહ્યો છે. જયારે સ્ટીંગ કરનાર પત્રકારે જયારે તેને આ તમને ખરાબ નથી લાગતું તેવું પૂછતાં તેઓ નફ્ફટાઈથી કરે છે, “મને શું કરવા ખરાબ લાગે? પૈસા જ મહત્વના છે. બધે પૈસા જ મહત્વના છે.” બ્રિટનના ડેઇલી મેઈલના સ્ટીંગ ઓપરેશન બાદ પણ અમદાવાદ સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસના પેટનું પાણી પણ હાલ્યું નથી. સાયબર ક્રાઈમ હજી સુધી આ કોલ સેન્ટરને અને તેના સંચાલકો સુધી પહોંચી શકી નથી. કોલ સેન્ટરનું કૌભાંડ આખું એક સ્ક્રીપ્ટ ઉપર ચાલે છે. કૌભાંડીઓ ગૂગલ પરથી આખી સ્ક્રીપ્ટ મેળવી લે છે. કોલ સેન્ટરમાં નોકરી કરતા યુવકોને આ સ્ક્રિપ્ટ આપવામાં આવે છે જયારે સામે વાળી વ્યક્તિ આ જાળમાં ફસાય ત્યારે કોલ ક્લોઝરને કોલ ટ્રાન્સફર કરી પૈસા પડાવે છે. વિદેશી નાગરિકોનો ડેટા ૨થી ૫ ટકા કમિશન આપી મેળવવામાં આવે છે. જયારે ભોગ બનનાર પાસેથી પૈસા હવાલા મારફતે આરોપીઓ સુધી પહોંચે છે. જેમાં પણ કમિશન નક્કી હોય છે.