(એજન્સી) કોલકાતા, તા.૮
શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજસ્થાનમાં હત્યા કરાયેલ મોહમ્મદ અફરાઝુલના પરિવારને ૩ લાખ રૂપિયા વળતર અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી કે અફરાઝુલને મારી મારીને ‘લવજિહાદ’ બદલ હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરને આગ ચાંપવામાં આવી હતી. આ સમગ્ર અમાનવીય ઘટનાને રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર મૂકી અન્ય લોકોને આ લવજિહાદ મુદ્દે શીખ લેવા ચેતવણી અપાઈ હતી. આ મુદ્દે શંભુલાલ રેજરની ધરપકડ કરવામાં આવી છે અને શુક્રવારે કોર્ટ દ્વારા તેને ત્રણ દિવસ પોલીસ અટકાયતમાં રાખવાનો આદેશ અપાયો છે. તેમજ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કરનાર શંભુના સગીર ભત્રીજાને બાળસંભાળ ગૃહમાં મોકલાયો છે. બેનરજીએ ટ્‌વીટર પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે રાજસ્થાનમાં ઘણી જ દુઃખદ ઘટના બની છે. અમારા રાજ્યના માલ્દા પ્રાંતના અફરાઝુલ ખાનની ક્રૂર હત્યા કરવામાં આવી છે. તેનો પરિવાર સંપૂર્ણપણે નિઃસહાય છે. નિરાધાર પરિવારને સહાય કરવા માટે અમારી સરકારે રૂા.૩ લાખની નાનકડી રકમ ચૂકવવાનું નક્કી કર્યું છે. સાથે યોગ્ય લાયકાત ધરાવતા કુટુંબના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવશે. સરકાર અન્ય સહાય પણ પૂરી પાડશે. હું અમારા મંત્રીઓ અને સાંસદોની એક ટુકડીને પરિવારની મુલાકાત માટે મોકલું છું. મમતા બેનરજીએ પરિવારના સભ્યો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાજ્ય પરિવહન મંત્રી શુભેન્દ્ર અધિકારી અને શહેરી વિકાસ મંત્રી ફિરહાદ હાકિત તેમજ પક્ષના સાંસદ સૌગતારે સુદીપ બંદોપાધ્યાય અને કાકોલી ઘોષ દાસ્તીદાર અફરાઝુલના નિવાસસ્થાને શનિવારે મુલાકાત માટે જશે.