અમદાવાદ, તા.૮
બાગી રાઘવજી પટેલે શું કહ્યુ?
જામનગર ગ્રામ્ય-૧ના કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય રાઘવજી પટેલે પણ તેમનો મત ભાજપને આપ્યો હતો. રાઘવજી પટેલે વોટીંગ કર્યા બાદ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી કોંગ્રેસપક્ષના હાઇકમાન્ડને અમે રજૂઆત કરતા હતા પરંતુ અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી અને અમને અવગણવામાં આવ્યા છે, તેથી મેં નક્કી કર્યું હતું કે, હવે મારે કોંગ્રેસમાં રહેવું નથી. મારે રાજકારણમાં રહેવું હોય તો ભાજપમાં રહેવું પડશે. ગુજરાતના વિકાસ માટે અને દેશના વિકાસ માટે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશ વધુ મજબૂત બને અને વધુ વિકાસ થાય તે માટે મેં ભાજપને મત આપ્યો છે.
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતોના સર્જાયેલા વિવાદ બાદ કોંગ્રેસે તેમના મતો રદ કરવાની કરેલી માંગણી બાદ રાઘવજી પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે તેમના મત કોંગ્રેસના અધિકૃત એજન્ટને બતાવી મતપેટીમાં નાંખ્યા હતા. તેમણે નિયમ મુજબ, મતદાન કર્યું છે. કોંગ્રેસ હારવાની છે, એટલે ખોટા આક્ષેપો કરી રહી છે.
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શું કહ્યું?
કોંગ્રેસના અન્ય બળવાખોર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા અને રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહમદ પટેલની સામે ભાજપ દ્વારા ઉભા રખાયેલા બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોંગ્રેસપક્ષને અમે વારંવાર રજૂઆત કરી છતાં કોઇ અમને સાંભળતું ન હતું અને તેથી આખરે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે. આજે મેેં મારો મત બળવંતસિંહ રાજપૂતને આપ્યો છે.
એનસીપીના કાંધલ જાડેજાએ પણ ભાજપને મત આપ્યો
એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આજે ભાજપને મત આપી એક અલગ જ સંદેશ મતદાન સ્થળે વહેતો કર્યો હતો. વોટીંગ કર્યા બાદ એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા કે જે કુતિયાણા બેઠક પરથી ચૂંટાયા છે તેમણે જણાવ્યું કે, તેમણે તેમનો મત ભાજપને આપ્યો છે. ભાજપની તરફેણમાં મતદાન કરનાર કાંધલ જાડેજાને બાપુ શંકરસિંહ વાઘેલાએ આવતીકાલે તેમના વસંતવગડો ખાતેના બંગલે જે જમણવાર ગોઠવ્યો છે, તેમાં કાંધલને પણ બોલાવ્યો હતો. જેથી કાંધલ જાડેજા ભાજપમાં જોડાવાના સમીકરણો ગોઠવાતા હોવાની ચર્ચાએ જોર પકડયુ હતું.
કોંગ્રેસના ૪૪માંથી ફૂટેલા ધારાસભ્ય કરમશીભાઇએ શું કહ્યું?
કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોમાંથી છેલ્લી ઘડીયે ફુટી ગયેલા સાણંદના ભાજપના ધારાસભ્ય કરમશી પટેલે વોટીંગ પછી જણાવ્યું કે, છેલ્લા સાડા ચાર વર્ષથી મારા વિસ્તારના અને સમાજના કામો થતા ન હતા અને આ માટે કોંગ્રેસ પક્ષમાં હું રજૂઆત કરતો આવ્યો હતો છતાં કોઇ નિરાકરણ નહી આવતાં આખરે મેં જનતા અને સમાજના હિતને ધ્યાનમાં લઇ ક્રોસ વોટીંગ કર્યું છે. કોંગ્રેસ વિરૂધ્ધમાં ક્રોસ વોટીંગ કરનાર અને ભાજપ તરફી મત આપનાર કરમશી પટેલને વોટીંગ બાદ ખાસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. તેઓ પોલીસ પ્રોટેકશન વચ્ચે પોતાના ઘેર ગયા હતા. તેમના નિવાસસ્થાને પણ પોલીસ સુરક્ષા તૈનાત કરી હતી.