સરકાર દ્વારા ચૂંટણીલક્ષી જાહેરાતોનો દોર જારી : કર્મચારીઓને મનાવવા લેવાયા નિર્ણયો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઈ અને ચૂંટણી જાહેરાતની સાથે જ આચારસંહિતા પણ અમલમાં આવી જતી હોઈ રાજ્ય સરકાર દ્વારા મતદારોને આકર્ષવા વિવિધ પ્રકારની જાહેરાતો-રાહતોના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સરકારે કર્મચારીઓ પર ઓળઘોળ વારી જતાં આજે નિર્ણયો કર્યા છે જેમાં નગરપાલિકાઓના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવા તેમજ બિનસરકારી શાળાઓના ફિક્સ પગારદાર કર્મચારીઓના વેતનમાં વધારો કરવા તથા આઈ.ટી.આઈ.ના કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત સરકારે ચૂંટણીલક્ષી જાહેરાતો કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણીને લઈ સરકાર દ્વારા એક પછી એક વિવિધ મતદાર વર્ગને ધ્યાને લઈને જાહેરાતો કરવામાં આવી રહી છે. ગત સપ્તાહે પણ આવી જાહેરાતો કરવામાં આવી હતી તે બાદ આજે વધુ નિર્ણયો લેવાયા છે જેમાં કર્મચારીઓ માટે ખાસ જાહેરાતો કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ કર્મચારીઓ તેમની માગણીઓને લઈને સરકારથી નારાજ છે અને વિવિધ પ્રકારે રજૂઆતો દેખાવો-પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નારાજ કર્મચારીઓને મનાવી લેવા જાહેરાતો કરાઈ હોવાની ચર્ચાવ્યાપક છે.
શિક્ષણ ક્ષેત્રના ફિક્સ પગારદારોના પગારમાં વધારો કરવાની જાહેરાત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓના ફિક્સ પગારમાં નોંધપાત્ર વધારો કરાયો છે. જેનો લાભ ૭૦રર કર્મચારીઓને થશે અને રાજ્ય સરકારને આ માટે અંદાજે વધારાનું રૂા.૭૪ કરોડનું વધારાનું વાર્ષિક ભારણ થશે.
તેમાં માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને રૂા.૧૬,પ૦૦/-ને બદલે રૂા.રપ,૦૦૦/- વહીવટી સહાયકોને રૂા.૧૧પ૦૦/-ને બદલે રૂા.૧૯૯પ૦/- તથા સાથી સહાયકને રૂા.૧૦પ૦૦/-ને બદલે રૂા.૧૬,રર૪/- સુધારેલો પગાર મળશે. તે જ રીતે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને રૂા.૧૭,૦૦૦/-ને બદલે રૂા.ર૬,૦૦૦/-, વહીવટી સહાયકને રૂા.૧૧પ૦૦/-ને બદલે રૂા.૧૯૯પ૦/- તથા સાથી સહાયકને રૂા.૧૦પ૦૦/-ને બદલે રૂા.૧૬,રર૪ સુધારેલો પગાર મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યની ૧૦પ પાલિકાના કર્મીઓને સાતમો પગારપંચ
નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આજે મહત્ત્વનો નિર્ણય લઈ રાજ્યની લગભગ ૧૦પ નગરપાલિકાઓના અંદાજે ૧પ૦૦૦ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરી હતી. રાજ્યની જે નગરપાલિકાઓ છઠ્ઠા પગારપંચ મુજબ, નિયમિત રીતે પગાર ભથ્થા ચૂકવી ૪૮ ટકાની મહેકમ ખર્ચ મર્યાદા જાળવી રાખે છે. તેવી લગભગ ૧૦પ નગરપાલિકાઓને તેના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબના લાભો ચૂકવવા નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી નગરપાલિકાઓને વાર્ષિક રૂા.પ૪ કરોડનું ભારણ થશે.
રાજ્યની ૧૧૩ ગ્રાન્ટેડ IITના કર્મીઓને ઉચ્ચતર પગારધોરણ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટ લેતી ૧૧૩ આઈટીઆઈના કર્મચારીઓને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ આઈટીઆઈના શિક્ષકો અને કર્મચારીઓને તા.૦૧/૦૧/ર૦૧૬ની અસરથી ઉચ્ચતમ પગાર ધોરણ અપાશે. જેના લીધે સરકારને વાર્ષિક રૂા.૩ કરોડનું વધારાનું ભારણ થશે.
મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીની આવક મર્યાદામાં વધારો કરાયો
રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગને ગંભીર રોગોની સારી હોસ્પિટલોમાં સારવાર મળી રહે તે માટે શરૂ કરાવેલ. મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારવા એટલે કે વધુ લોકો તેનો લાભ લે તે માટે રાજ્ય સરકારે તેની આવક મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. અગાઉ જ રૂા. ૧.પ૦ લાખની આવક મર્યાદા હતી તે વધારીને રૂા.ર.પ૦ લાખની કરવાની જાહેરાત સરકાર તરફથી આજે કરાઈ છે. એટલે હવેથી રૂા.ર.પ૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો આ યોજના હેઠળ લાભ લઈ શકશે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે અગાઉ આ યોજના અમલી બનાવ્યા બાદ તેની આવક મર્યાદા રૂા.૧.ર૦ લાખથી વધારી ૧.પ૦ લાખ કરાઈ હતી. તે બાદ હવે આજે તેમાં વધારો કરાયો છે જેનાથી અંદાજે વધુ ૪ કરોડ લોકોને લાભ મળી રહેશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે હૃદય, કિડની, કેન્સર, સગર્ભા મહિલાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, અકસ્માતમાં ગંભીર ઈજાઓ, બર્ન્સ, મગજના રોગોની સારવારમાં આ પરિવારોને સહાયરૂપ થવા આ યોજના હેઠળ ૬ર૮થી વધુ ઓપરેશનો માટે વાર્ષિક મહત્તમ રૂા.ર લાખ સુધીની કેલેશ સારવાર પૂરી પાડવામાં આવે છે. જેમાં દર્દીઓને ઓપરેશન સહિત દવાઓ તથા હોસ્પિટલમાં રૂમની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. હાલ રાજ્યમાં ર૧ સરકારી તેમજ ૯૯ ખાનગી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો, ૪ર સ્ટેન્ડએલોન ડાયાલિસીસ સેન્ટરો મળી કુલ ૧૬ર હોસ્પિટલોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત કિડનીના રોગોમાં ડાયાલિસીસની સારવાર પણ મોંઘી હોય છે તેને પણ આ યોજના હેઠળ આવરી લેવાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts