(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
બિહારમાં મહાગઠબંધન સરકારના પતન સાથે નીતિશકુમારની આગેવાની હેઠળ જદયુ-ભાજપની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. પરંતુ નવી સરકાર માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ૧૧ યાદવ અને પ મુસ્લિમ ધારાસભ્યો આવતીકાલે વિધાનસભામાં વિશ્વાસ મત સમયે નીતિશકુમારની સરકારનો ખેલ બગાડી શકે છે. જો આ ધારાસભ્યો બળવો કરે તો નીતિશ સરકારનું પતન થઈ શકે છે. જદયુના દિગ્ગજ નેતા શરદ યાદવ અને સાંસદ અલી અનવર નીતિશકુમારથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષના ૧૬ જેટલા ધારાસભ્યો છે કે જે બાજી મારી શકે છે. બિહાર વિધાનસભામાં ર૪૩ ધારાસભ્યો છે. બહુમતી માટે ૧રરના ટેકાની જરૂર પડે. નીતિશકુમાર પાસે ૭૧ (જદયુ) અને ભાજપના પ૩ ધારાસભ્યો મળી ૧ર૪ થાય છે. જે બહુમતીથી માત્ર ર ધારાસભ્યો વધુ છે. પરંતુ ભાજપ સાથે ગઠબંધન પછી એવું અનુમાન લગાવાય છે કે યાદવ (૧૧) અને મુસ્લિમ (પ) ધારાસભ્યો બળવો કરી શકે છે. આવું એટલે મનાય છે કે, પક્ષના વરિષ્ઠ નેતા શરદ યાદવ અને અલી અનવરના બાગી તેવર ખુલ્લા થયા છે. લાલુ યાદવના ૮૦ અને કોંગ્રેસના ર૭ વિધાયકો છે અન્ય પ છે. પ વિધાયકો નીતિશને સાથ આપે તો પણ નીતિશકુમાર સરકાર બચાવી નહીં શકે. તેજસ્વી યાદવના ભ્રષ્ટાચારના મુદ્દે રાજદ-જદયુ-ગઠબંધનનું પતન થતાં નીતિશકુમારે જદયુ-ભાજપ નવું જોડાણ કર્યું છે. શરદ યાદવ પટણામાં નીતિશકુમારના શપથ સમારોહમાં હાજર રહ્યા ન હતા અને કેન્દ્ર સરકારની ટ્‌વીટર પર ટીકા કરતા હતા. વીમા યોજનાનો લાભ કિસાનોને મળતો નથી. કૃષિ પાક વીમાના પૈસા વીમા કંપનીઓ પાસે જાય છે.