(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૭
કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરોનો અવાજ હાઈકમાન્ડ સુધી પહોંચે અને કાર્યકરો અને પક્ષનું ઉચ્ચ નેતૃત્વ સીધી રીતે જોડાઈ શકે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આજરોજ શકિત પ્રોજેકટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે શકિત પ્રોજેકટને મહત્વ આપી રહ્યા છે તે શકિત પ્રોજેકટ એ કોંગ્રેસના કાર્યકરો અને પક્ષના શીર્ષ નેતૃત્વ સીધી રીતે જોડાઈ શકે તે માટેનો એક સેતુ છે અગાઉ રાજસ્થાન, દિલ્હી, તેલંગાણા, છત્તીસગઢમાં આ પ્રોજેકટ કાર્યરત છે અને આજે ગુજરાતમાં પાંચમાં રાજય તરીકે શકિત પ્રોજેકટ કાર્યરત કરવામાં આવેલ છે આ પ્રોજેકટ હેઠળ કોંગ્રેસની વિચારસરણીમાં માનતા વ્યકિતઓએ તેઓનો મતદાર ઓળખકાર્ડ નંબર ૯૭૦ર૪રરર૦૦ નંબર ઉપર તેઓના મોબાઈલ નંબરથી એસએમએસ કરીને મોકલવાનો રહેશે. આ પ્રક્રિયા દ્ધારા તેઓ શક્તિ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. કાર્યક્રમની શરુઆતમાં શક્તિ પ્રોજેક્ટના સ્ટેટ કોઓર્ડીનેટર પ્રણય શુકલાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના શબ્દો ટાંકતા કહ્યું હતું કે,કોંગ્રેસના દરેક કાર્યકર્તાનો અવાજ એટલે શક્તિ ,એઆઈસીસીના ડેટા એનાલિટીક્સ ડિપાર્ટમેન્ટના ચીફ કોઓર્ડીનેટર ગોકુલ બુટેલે શક્તિ પ્રોજેક્ટની માહિતી આપી હતી અને પ્રોજેક્ટમાં જોડાવાની પ્રક્રિયાનું ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ શકિત પ્રોજેકટનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે પક્ષના દરેક કાર્યકરની વાત કે પ્રતિભાવ સાંભળવા અને સમજવા માટે શકિત પ્રોજેકટ એક મહત્વનું માધ્યમ છે ભવિષ્યમાં આ માધ્યમ પક્ષના કાર્યકર્તાઓના અભિપ્રાય જાણી મહત્વના નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરશે. તેઓએ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં પ્રોજેકટમાં જોડાવવાની અપીલ કરી હતી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ શકિત પ્રોજેકટને કાર્યકર્તાઓની સાચી શકિત સાથે સરખાવતા કહ્યું હતું કે કાર્યકર્તાઓના સૂચનો અને અભિપ્રાયને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા અને તે સંદર્ભમાં શકિત પ્રોજેકટને મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું. એઆઈસીસી મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી રાજીવ સાતવે શકિત પ્રોજેકટ વિશે જણાવ્યું હતું કે જમીન સ્તરના કાર્યકરોનો અવાજ પક્ષના નેતૃત્વ સુધી પહોંચે તેવો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રયાસનો એક ભાગ છે તેમ જણાવ્યું હતું આગામી સમયમાં પ્રોજેકટ શકિત એ કોંગ્રેસ પક્ષની આગામી રણનીતિ નકકી કરવામાં કોંગ્રેસ મહત્વપુર્ણ ભૂમિકા ભજવશે.
શકિત પ્રોજેકટ લોન્ચીંગમાં પૂર્વપ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, કાર્યકારી પ્રમુખ ડો. તુષાર ચૌધરી, એઆઈસીસીના મંત્રી અને ગુજરાતના સહપ્રભારીઓ જીતેન્દ્ર બધેલ અને બિશ્વાસ મોહન્તી સહિતના મહાનુભાવોએ શકિત પ્રોજેકટને આવકારતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના સંગઠન માટે શકિત પ્રોજેકટ અતિઉપયોગી સાબિત થશે.