તાજેતરમાં બે એવી તસવીરો જોવા મળી કે જેને જોતા એવું લાગે કે જાણે કાળા અને સફેદ રંગમાં રહેલા બે જુદા-જુદા ધર્મો અને સંસ્કૃતિના અદ્વિતીય વિરોધાભાસને વ્યક્ત કરવામાં આવ્યો હોય.
પ્રથમ તસવીર તહેરાનની છે જ્યાં સીરિયાના યુદ્ધમાં માર્યા ગયેલા ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના ક્રાંતિકારી રક્ષકોના ત્રણ સભ્યો મોહમ્મદ હમીદી, હસન ગફારી અને અલી અમરાઈની દફનવિધિ વેળાની છે કે, જેમાં શોકાતુર ઈરાની લોકો જોડાયા હતા. શોકાતુર લોકોની ભીડમાં એક નિર્દોષ બાળકનો ચહેરો આપણને કાળા અંધકારમાં પ્રગટેલા એક દીવા સમાન દૃશ્યમાન થઈ રહ્યો છે. બાળકોની નિર્દોષતા આપણને હંમેશા દરેક પરિસ્થિતિમાં ઢળી જતાં શીખવે છે.
બીજી તસવીર કોલકાતાની છે જ્યાં સિસ્ટર નિર્મલા જોષીના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે શબવાહિનીની આજુબાજુ મિશનરીઝ ઓફ ચેરિટીની કેથોલિક સાધ્વીઓ તથા સંસારીઓનું ટોળું તેની આસપાસ જોવા મળી રહ્યું હતું. સાધ્વીઓ માટેના વૈશ્વિક આદેશને મધર ટેરેસા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. નોબલ પારિતોષિક વિજેતા મધર ટેરેસા બાદ જોષીએ મિશનરીઝ ઓફ ચેરિટીના વડા તરીકે સ્થાન ગ્રહણ કર્યું હતું. એમણે વિદેશોમાં પણ ચળવળનો વિસ્તાર કર્યો હતો. સિસ્ટર નિર્મલા જોષીનું ૮૦ વર્ષની વયે નિધન થયું હતું. ૧૯૯૭માં મધર ટેરેસાના મૃત્યુ બાદ ચેરિટીનો કાર્યભાર સંભાળનાર સિસ્ટર નિર્મલાએ અફઘાનિસ્તાન, ઈઝરાયેલ અને થાઈલેન્ડમાં આ સંસ્થાના કેન્દ્રો શરૂ કરીને ૧૩૪ જેટલા દેશોમાં તેનો વિસ્તાર કર્યો હતો.